પર્થ : ભારતીય હોકી ટીમે અહીં શુક્રવારે ટીમમાં વાપસી કરનારા રુપિન્દર પાલ સિંહના ઓપનીંગ ગોલ અને તે પછી યુવા સ્ટ્રાઇકર સુમિત કુમારના 2 ગોલને કારણે ઓસ્ટ્રેલિયા-એ સામે અહીં 3-0થી જીત મેળવી હતી. ઇજાને કારણે 8 મહિના પછી સ્પર્ધાત્મક હોકીમાં પરત ફરેલા ડ્રેગ ફ્લિકર રુપિન્દરે મેચની છઠ્ઠી મિનીટમાં જ ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી દીધી હતી.
તે પછી સુમિતે 12 અને 13મી મિનીટમાં ઉપરાછાપરી બે ગોલ કરીને ભારતીય ટીમને સતત બીજી મેચમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે પોતાની આક્રમક રમત વડે પહેલા ક્વાર્ટરમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને વિપક્ષી છાવણીમાં છીંડા પાડવાના પ્રયાસ શરુ કર્યા હતા, આ વ્યુહરચના કારગત નિવડી હતી અને ભારતીય ટીમ વતી થયેલા પ્રથમ ત્રણેય ગોલ પહેલા ક્વાર્ટરમાં જ થયા હતા અને તેના કારણે યજમાન ટીમ બેકફૂટ પર ધકેલાઇ ગઇ હતી.