નવી દિલ્હી : 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ એવા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલે કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિ અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે આગામી સોમવારે મુંબઇમાં એક બેઠક થશે અને તે પછી આ ટીમની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ કપની પહેલી મેચ 30મી મેના રોજ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે અને આ ટુર્નામેન્ટની ફાઇનલ 14 જુલાઇએ રમાશે.
આમ તો જોકે બે વારની ચેમ્પિયન ભારતીય ટીમ લગભગ તો નક્કી જ માનવામાં આવી રહી છે. જો કે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે કોને તક આપવી એ કોહલી અને પસંદગી સભ્યો વચ્ચેની બેઠકનો મહત્વનો મુદ્દો હોઇ શકે છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામે 5મી જૂને પહેલી મેચ રમીને કરશે.