કુઆલાલમ્પુર : ભારતીય મહિલા હોકી ટીમે અહીં .યજમાન મલેશિયા સામેની પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં સ્ટ્રાઇકર વંદના કટારિયાના બે ગોલની મદદથી 3-0થી વિજય મેળવ્યો હતો. વંદનાએ 17મી અને 60મી મિનીટમાં ગોલ કર્યા હતા. જ્યારે લાલરેમસિયામીએ 38મી મિનીટમાં ગોલ કર્યો હતો.
મલેશિયાને મેચ શરૂ થયાની ત્રીજી જ મિનીટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ભારતીય કેપ્ટન અને ગોલકીપર સવિતાએ તેને બચાવી લીધો હતો. પાંચમી મિનીટમાં મલેશિયન ગોલ પોસ્ટ પર લાલરેમસિયામીના શોટનેં બચાવી લેવાયો હતો. બે મિનીટ પછી નવનીત કૌરનો પણ એક પ્રયાસ એળે ગયો હતો. તે પછી ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ગોલ થઇ શક્યો નહોતો.
પહેલો ક્વાર્ટર ગોલરહિત રહ્યા પછી ભારતીય ટીમે 17મી મિનીટમાં સફળતા મેળવી અને વંદનાએ ફિલ્ડ ગોલ કર્યો હતો. તે પછી ભારતીયોનો તાલમેલ સારો રહ્યો હતો અને તેમનું ડિફેન્સ પણ મજબૂત જણાયું હતું. ભારત માટે 38મી મિનીટમાં લાલરેમસિયામીએ ગોલ કરીને સરસાઇ 2-0 કરી દીધી હતી અને ફાઇનલ હૂટર વાગે તે પહેલા વંદનાએ ગોલ કરતાં ભારતીય ટીમની સરસાઇ 3-0 થઇ હતી અને એ સ્કોર પર જ મેચ પુરી થઇ હતી. બીજી મેચ શનિવારે રમાશે.