દક્ષિણ આફ્રિકાનો યુવા ઝડપી બોલર લુંગી ઍન્ગીડી ભારતીય ટીમ સામે બુધવારે વર્લ્ડ કપની મેચ નહીં રમી શકે. ઍન્ગીડીને રવિવારે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઇજા થઇ હતી અને તે ઍ મેચમાં ચાર ઓવર બોલિંગ કર્યા પછી મેદાન બરાર ચાલ્યો ગયો હતો અને ફરી બોલિંગ કરી શક્યો નહોતો. આ તરફ સીનિયર બેટ્સમેન હાશિમ અમલાની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવાયું છે.
દક્ષિણ આફ્રિકન ટીમના ડોક્ટર મહંમદ મુસાજીઍ જણાવ્યું હતું કે ઍન્ગીડીને ડાબી હેમસ્ટ્રિંગમાં ઇજા થઇ છે. તે ઍક અઠવાડિયાથી 10 દિવસ સુધી ક્રિકેટ રમી શકશે નહીં. આવતીકાલે તેનો સ્કેન કરાવાશે અને આશા છે કે તે વેસ્ટઇન્ડિઝ સામેની મેચ પહેલા ફિટ થઇ જશે. ઍ ઉલ્લેખનીય છે કે ઍન્ગીડી પોતાની ઇજાને કારણે આઇપીઍલમાં પણ રમી શક્યો નહોતો.
ઍન્ગીડીના સ્થાને ટીમ ઇન્ડિયા સામેની મેચમાં ડેલ સ્ટેનનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. તેના માટે શરત માત્ર ઍટલી જ છે કે તેણે ફીટ થવું પડશે. સ્ટેને આમ તો નેટ પ્રેક્ટિસમાં કેટલીક ઓવર બોલિંગ કરી હતી, પણ ભારતીય ટીમ સામે તેના રમવા અંગેનું ચિત્ર હજુ ઍટલું સ્પષ્ટ નથી. જા સ્ટેન નહીં રમે તો ટીમમાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસનો સમાવેશ કરાશે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામેની મેચમાંથી અંતિમ સમયે ખસી ગયેલો સીનિયર બેટ્સમેન હાશિમ અમલાની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવાયું હતું.