ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી)એ ગુરૂવારે ભારત પર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની યજમાની માટે મુકેલા પ્રતિબંધને તાત્કાલિક પ્રભાવથી હટાવી લીધો છે. આઇઓસી દ્વારા ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ને પત્ર લખીને આ વાતની જાણકારી આપી હતી. રમત મંત્રાલયે મંગળવારે જ આઇઓએને પત્ર લખીને કહ્યું હતું કે એ તમામ દેશો અને ખેલાડીઓને ભારતમાં ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી અપાશે, જેને આઇઓસીની માન્યતા મળેલી છે.
આ પત્રને આઇઓએ દ્વારા આઇઓસીને મોકલાયો હતો, જેના પર આઇઓસીના કાર્યકારી બોર્ડની બેઠક થઇ અને ભારત પર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની યજમાની માટે જે પ્રતિબંધ મુકાયેલો હતો તે તાત્કાલિક અસરથી હટાવી લેવાયો હતો. આઇઓસીના ઓલિમ્પક્સ યુનીટી અને એનઓસી કમિટીના નિર્દેશક જેમ્સ મેકલાડે પત્રમાં લખ્યું છે કે અમને જેમા ભારત સરકારે સ્પષ્ટતા કરી છે તે તમારો 18 જૂન 2019નો પત્ર મળ્યો છે. આઇઓસી કાર્યકારી બોર્ડે ગુરૂવારની બેઠકમાં સ્થિતિની સમિક્ષા કરી કે ભારત સરકારે જે પત્ર લખ્યો છે તેના આધારે ખેલાડીઓ અને ટીમો સાથે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં કોઇ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે અને તેમનું સન્માન જાળવવામાં આવશે, કે જેથી યોગ્ય ખેલાડીઓ અને પ્રતિનિધિ મંડળને કોઇ પ્રકારની સમસ્યા ન થાય
પત્રમાં વધુમાં લખાયું છે કે આ પત્રને ધ્યાને લઇને અમે નિર્ણય કર્યો છે કે 21 ફેબ્રુઆરી 2019ના દિવસે આઇઓસીના કાર્યકારી બોર્ડે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની યજમાની બાબતે ભારત પર જે પ્રતિબંધ મુક્યો હતો તેને તાત્કાલિક અસરથી હટાવી લેવો. સાથે જ તમામ ઇન્ટરનેશનલ ફેડરેશનને તે અંગેની માહિતી આપી દેવામાં આવી છે.