ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ)ની 12મી મેના રોજ રમાનારી ફાઇનલ ચેન્નઇથી હૈદરાબાદ ખસેડી લેવામાં આવી છે. તમિલનાડુ ક્રિકેટ ઍસોસિઍશન (ટીઍનસીઍ) સ્ટેડિયમના 3 સ્ટેન્ડ ખોલાવવા માટે સરકાર પાસે જરૂરી મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી બીસીસીઆઇ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ પાસે જો કે લીગ સ્ટેજમાં ટોચની બે ટીમમાં રહેવાથી પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ ક્વોલિફાયર રમવાની તક રહેશે, 8મી મેની ઍલિમિનેટર અને 10મી મેની ક્વોલિફાયર હવે વિશાખાપટ્ટનમમાં રમાશે.
વહીવટદારોની સમિતિના ચેરમેન વિનોદ રાયે સોમવારે જણાવ્યું હતું કે ટીઍનસીઍ અમને જણાવ્યું છે કે ચેપોક સ્ટેડિયમના 3 સ્ટેન્ડ આઇ, જે અને કેને ખોલવા માટે જરૂરી મંજૂરી તે મેળવી શક્યું નથી, તેને પગલે અમે ચેન્નઇમાં રમાનારી ફાઇનલ હવે હૈદરાબાદમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે નોકઆઉટ મેચો માટે ગેટ રકમ પર બીસીસીઆઇનો અધિકાર રહે છે અને તેથી અમે આ નિર્ણય લીધો છે. અમે બે નોકઆઉટ મેચ વિઝાગ સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લીધો છે. ચેપોકના આ ત્રણેય ગેટ 2012થી બંધ છે.