નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) હાલમાં લગભગ અડધી મજલ કાપી ચુકી છે, જો કે મોટાભાગના ખેલાડીઓની નજર આવતા મહિનાના અંતથી ઇંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટના મહાકુંભ એવા આઇસીસી વનડે વર્લ્ડ કપ પર મંડાયેલી છે. વર્લ્ડ કપ માટે ભારતીય પસંદગીકારોએ હજુ સુધી પોતાના 15 સંભવિતોની ટીમ જાહેર કરી નથી. જેના કારણે એવું લાગે છે કે આઇપીએલમાં રમતા એ ખેલાડીઓ માટે હજુ તક ખુલ્લી છે કે જેમના નામ વર્લ્ડ કપ માટેની ટીમમાં વિચારાધીન છે. મુખ્ય પસંદગી કાર ઇશારામાં એવો સંકેત પહેલાથી આપી ચુક્યા છે કે ટી-20માં રમતા ખેલાડીઓ પર તેમની નજર છે. ભારત સહિતના તમામ દેશોએ આગામી 23 એપ્રિલ સુધીમાં પોતાની સંભવિત 15 સભ્યોની ટીમ જાહેર કરવાની છે. હવે જ્યાર વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે ત્યારે એવા ખેલાડીઓ પર નજર નાખીએ કે જેમને આઇપીએલમાં સારા પ્રદર્શનને કારણે ટીમમાં સ્થાન મળવાની સંભાવના છે.
અંબાતી રાયડુ (ચેન્નઇ સુપર કિંગ્સ) : આઇપીએલની અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાં રાયડુએ 13.75ની એવરેજે 55 રન કર્યા છે. પોતાની ટીમ માટે શેન વોટ્સન સાથે દાવની શરૂઆત કરનાર રાયડુ અત્યાર સુધી એવો કોઇ કમાલ કરી શક્યો નથી. પંજાબ સામેની જે મેચમાં તેણે આઇપીએલની હાલની સિઝનમાં સર્વાધિક 21 રન કર્યા હતા. જો કે તે મેચમાં તેને નીચલા મધ્યમ ક્રમે બેટિંગમાં ઉતારાયો હતો.
વિજય શંકર (સનરાઇઝર્સ હૈદરાબાદ) : વિજય શંકર જે રીતે છગ્ગાઓ ફટકારે છે તેના કારણે હાર્દિક પંડ્યાની યાદ ચોક્કસ જ આવી જાય. જો કે શરૂઆતની બે મેચમાં 30+ રન કર્યા પછીની ત્રણ મેચમાં શંકરનો સ્કોર 9, 16 અને 5 રહ્યો છે. તેણે બે મેચમાં બોલિંગ પણ કરી જેમાં તેણે કુલ 3 ઓવર બોલિંગ કરીને 26 રન આપ્યા હતા પણ તે એકપણ વિકેટ લઇ શક્યો નહોતો. તેની આક્રમકતા જો કે તેને રેસમાં રાખે છે.
દિનેશ કાર્તિક (કોલાકાતા નાઇટ રાઇડર્સ) : ડીકેના ટુંકાનામે ઓળખાતો કાર્તિક વિકેટકીપર હોવાની સાથે પોતાની ટીમનો કેપ્ટન પણ છે. શરૂઆતની બે મેચમાં તે સિંગલ ડિઝીટ સ્કોરમાં આઉટ થયો હતો અને તે પછીની ત્રીજી મેચમાં તેણે આ સિઝનની પોતાની પહેલી અર્ધ સદી ફટકારી હતી. જો કે ફરી એકવાર આરસીબી સામેની મેચમાં તે ફેલ ગયો હતો. જો તેણે વર્લ્ડ કપ રમવો હોય તો બાકીની મેચોમાં પ્રદર્શન સુધારવું પડશે.
હાર્દિક પંડ્યા (મુંબઇ ઇન્ડિયન્સ) : થોડા સમય પહેલા થયેલા વિવાદ પછી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઇપીએલમાં સારા પ્રદર્શન વડે જોરદાર વાપસી કરી છે. 178.94ની સારી કહી શકાય તેવી સ્ટ્રાઇક રેટ અને 34.00ની બેટિંગ એવરેજ સાથે તે મુંબઇ ઇન્ડિયન્સમાં ટોચના સ્થાને છે. ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ સામેના સારા પ્રદર્શનને કારણે તે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. એ મેચમાં તેણે 8 બોલમાં 25 રન અને 20 રન આપીને 3 વિકેટ ઉપાડી હતી.
ઋષભ પંત (દિલ્હી કેપિટલ્સ) : મુંબઇ ઇન્ડિયન્સ સામેની પહેલી મેચમાં જ પંતે 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને માત્ર 27 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી. જો કે તે પછીની મેચોમાં તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે અને તેના કારણે તેની એવરેજ નીચે ઉતરીને 32.50 પર આવી ગઇ છે. જો કે વિકેટકીપિંગમાં તેણે ફરિયાદની કોઇ તક આપી નથી, અને ધોનીની સાથે સહાયક તરીકે તેનું નામ પહેલા લેવાઇ રહ્યું છે.
ઇશાંત શર્મા (દિલ્હી કેપિટલ્સ) : ભારતીય ટીમના ચોથા બોલર તરીકે હાલમાં ઇશાંત શર્માનું નામ લેવાઇ રહ્યું છે અને તે પણ ચોથા બોલર તરીકે ટીમમાં સામેલ થવાની ઇચ્છા ધરાવે છે. જો કે આઇપીએલના તેના હાલના પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવે તો તેમાં તેનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. તેણે અત્યાર સુધી આઇપીએલમાં કુલ 12 ઓવર બોલિંગ કરી છે અનેં તેમાં 98 રન આપીને માત્ર 4 વિકેટ ઉપાડી છે.
કેએલ રાહુલ (કિંગ્સ ઇલેવન પંજાબ) : હાર્દિક પંડ્યા સાથે એક ટીવી શોમાં વિવાદીત ટીપ્પણીને કારણે વિવાદમાં ફસાયેલો લોકેશ રાહુલ આઇપીએલની પહેલી મેચમાં માત્ર 4 બોલ રમીને આઉટ થયો હતો. જો કે તે પછીની મેચોમાં તેણે જોરદાર વાપસી કરી હતી અને હાલમાં તે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી સર્વાધિક રન કરનારાઓની યાદીમાં બીજા નંબરે છે. તેણે અત્યાર સુધી 36.50ની એવરેજથી 146 રન કર્યા છે.
અજિંકેય રહાણે (રાજસ્થાન રોયલ્સ) : 2015માં રમાયેલા વર્લ્ડ કપમાં અજિંકેય રહાણે ટીમનો હિસ્સો હતો. આઇપીએલમાં કાર્તિકની જેમ જ રહાણે પર પણ ટીમની જવાબદારી છે અને તેણે પોતાના સારા પ્રદર્શન ઉપરાંત ટીમ પાસે સારું પ્રદર્શન કરાવવાની જવાબદારી સંભાળવાની છે. જો કે છેલ્લી છ મેચમાં તેણે માત્ર એક અર્ધ સદી ફટકારી છે અને એ બાબત એવું દર્શાવે છે કે ઇંગ્લેન્ડની ટિકીટ કપાવવામાં તેણે હજુ મહેનત કરવાની જરૂર છે.