હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની ફાઇનલની ટિકીટ માત્ર 120 સેકન્ડ એટલે કે માત્ર બે મિનીટમાં જ વેચાઇ જતાં સવાલો ઉઠ્યા છે. હકીકતમાં પારદર્શકતા પર સવાલ ઉઠવાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા ટિકીટોના વેચાણની કોઇ આગોતરી જાેહેરાત કે નોટિસ વગર જ શરૂઆત કરી હતી અને આશ્ચર્યની વાત એ હતી કે તે છતાં આ ટિકીટ માત્ર બે મિનીટમાં વેચાઇ ગઇ હતી.
આ બાબતે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ કરીને કહ્યું હતુ કે ફાઇનલની તમામ ટિકીટ બે મિનીટમાં કેવી રીતે વેચાઇ શકે? આ બાબત ખરેખર ચોંકાવનારી છે અને બીસીસીઆઇએ ફાઇનલ જોવાની ઇચ્છા ધરાવતા ક્રિકેટ ચાહકોને તેનાથી વંચિત રાખવા માટે જવાબ આપવો પડશે, રસપ્રદ વાત એ છે કે જ્યાં સુધી ટિકીટ વેચાણ શરૂ થયું હોવાની માહિતી મળે ત્યાં સુધીમાં તમામ ટિકીટ વેચાઇ ગઇ હતી.
સવાલો ઉભા થવા પાછળનું કારણ શું?
ટુર્નામેન્ટની ફાઇનલ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 12મી મેના રોજ રવિવારે રમાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 39000 છે. મોટાભાગે અહીં મેચની 25,000 થી 30,000 ટિકીટ જ વેચાય છે. પણ આ વખતે આવું કેમ થયું તેની કોઇને ખબર નથી. સૂત્રોનું કહેવું છે કે 1000, 2000, 2500, 5000, 10,000, 12,500, 15000 અને 22,500ની કિંમતની ટિકીટો વેચાવાની હતી. જો કે ઇવેન્ટ્સનાઉએ 1500, 2000, 2500, અને 5000 વાળી ટિકીટો જ વેચી. અન્ય 12,500, 15000 અને 22.500 વાળી ટિકીટનું શું થયું તે અંગે કોઇને કંઇ ખબર નથી. તેથી ક્રિકેટ ચાહકો સવાલ કરી રહ્યા છે.