જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટર અને કોચ ઇરફાન પઠાણે કહ્યું છે કે તને 100 અન્ય ક્રિકેટરોની સાથે જેમ બને તેમ ઝડપથી ટીમ કેમ્પ છોડી દેવા જણાવી દેવાયું છે. ત્રાસવાદી ઘટનાની આશંકાને પગલે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સહેલાણીઓ અને અમરનાથ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને જેમ બને તેમ બનતી ત્વરાએ ખીણ વિસ્તાર છોડી દેવા જણાવાયું છે.
એક સમાચાર સંસ્થાએ ઇરફાન પઠાણને એવું કહેતા ટાંક્યો છે કે અમારો કેમ્પ બંધ કરાવી દેવાયો છે અને ક્રિકેટરોને ઘરે મોકલી દેવાયા છે. કેમ્પ 14 જૂનથી શરૂ થયો હતો અને 14 જુલાઇ સુધી ચાલ્યો હતો. 10 દિવસના બ્રેક પછી ફરી કેમ્પ શરૂ થયો, શનિવારે લગભગ 100 ક્રિકેટરોને તેમના ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા.
પઠાણે જણાવ્યું હતું કે મેચ 31 જુલાઇથી શરૂ થવાની હતી અને 17 ઓગસ્ટ સુધી તેનું આયોજન હતુ, જિલ્લા ક્રિકેટરોની પસંદગી માટે આ મેચીસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેણે એવું પણ કહ્યું હતું કે સપોર્ટ સ્ટાફને પણ રાજ્ય છોડવા જણાવી દેવાયું છે.