ક્રિકેટના મક્કા તરીકે ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 10 દિવસ પહેલા વન-ડે વર્લ્ડકપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમ ઉર્દુ ઉક્તિ ‘અર્શ સે ફર્શ’ પર મતલબ કે આકાશ પરથી ધરતી પર આવી ગઇ હતી. બુધવારે આયરલેન્ડ સામેની ઍકમાત્ર ટેસ્ટમાં 23.4 ઓવરમાં જ ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી અને તેના 8 ખેલાડી બે આંકડે પણ ન પહોંચ્યા નહોતા, જ્યારે તેમાંથી 3 તો ખાતું પણ ન ખોલાવી શક્યા નહોતા.
ઇંગ્લેન્ડના 85 રનના સ્કોર સામે પહેલા દિવસે આયરલેન્ડની ટીમ 207 રને ઓલઆઉટ થઇ હતી અને તેઓએ પહેલા દાવની 122 રનની સરસાઇ મેળવી હતી. આયરેલેન્ડ વતી ઍન્ડી બાલબર્નીએ 55 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પોલ સ્ટર્લિંગે 36 તો કેવિન ઓ બ્રાયને 28 રન બનાવ્યા હતા. ઇંગલેન્ડ વતી ક્રિસ બ્રોડ, સ્ટોન અને સેમ કરેને 3-3 વિકેટ ઉપાડી હતી.
ટિમ મુર્ટઘની આગેવાની હેઠળ આયરલેન્ડના બોલરોઍ ઇંગ્લેન્ડની ટીમનો 142 બોલમાં વિંટો વાળી દીધો
આ પહેલા આયરલેન્ડ સામેની ઍકમાત્ર ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય જો રૂટને મોંઘો પડ્યો હતો અને આયરલેન્ડના ટિમ મુર્ટઘે ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને 9 ઓવરમાં માત્ર 13 રન આપીને 5 વિકેટ ઉપાડીને ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપના ચીથરાં બોલાવી દીધા હતા. તેની સાથે જ માર્ક અડાયરે 7.4 ઓવરમાં 32 રન આપીને 3 જ્યારે બોયડ રેન્કિને 2 વિકેટ ઉપાડી હતી.
ઇંગ્લેન્ડ વતી જો ડેનલીઍ 23 રન કર્યા હતા, જે આ ઇનિંગમાં સર્વાધિક સ્કોર રહ્યો હતો. તેના સિવાય સેમ કરેને 18 તો ઓલી સ્ટોને 19 રન બનાવ્યા હતા. ટેસ્ટ ડેબ્યુ કરનાર જેસન રોય માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન રૂટ 2 રન કરીને આઉટ થયો હતો. બેયરસ્ટો, મોઇન અલી અને ક્રિસ વોક્સ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ઍક સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટે 36 રન હતો તે પછી 7 વિકેટે 43 રન થઇ ગયો હતો. મતલબ કે ઇંગ્લેન્ડે માત્ર 7 રનના ઉમેરામાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.
ઇંગ્લેન્ડે વતી ડેબ્યુ ટેસ્ટ રમી ચુકેલો આયરલેન્ડનો રેન્કીન બે દેશ વતી ટેસ્ટ રમનારો 15મો ક્રિકેટર બન્યો
આયરલેન્ડના 6 ફૂટ 7 ઇંચ લાંબા બોલર બોયડ રેન્કિન બુધવારે લોર્ડ્સના મેદાન પર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં રમવા ઉતર્યો તેની સાથે જ તે બે દેશ વતી ટેસ્ટ ક્રિકેટ રમનારો વિશ્વનો 15મો ખેલાડી બન્યો હતો. બોયડે 2013.14માં ઇંગ્લેન્ડ વતી ટેસ્ટ ડેબ્યુ કરીને ઍકમાત્ર ઍશિઝ ટેસ્ટ રમી હતી, જે ઓસ્ટ્રેલિયા 28 રને જીત્યું હતું અને તેમાં તેનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. હવે તે જે ટીમ વતી ટેસ્ટ ડેબ્યુ કર્યુ તેની સામે જ ટેસ્ટ રમી રહ્યો છે. ઇંગ્લેન્ડ વતી બોયડ 7 વનડે અને 2 ટી-20 પણ રમી ચુકયો છે.
17 વર્ષ પછી ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં 100 રનની અંદર ઓલઆઉટ થઇ
આયરલેન્ડ સામે બુધવારથી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થયેલી ઍકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 85 રનમાં તંબુભેગી થઇ હતી. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ કુલ 22મી વાર 100 રન કરતાં ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઇ છે. છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 7 નવેમ્બર 2002ના રોજ બ્રિસ્બેનમાં રમાયેલી ટેસ્ટમાં 79 રનમાં ઓલઆઉટ થઇ હતી અને તેના 17 વર્ષ પછી આજે બુધવારે તે 85 રને ઓલઆઉટ થઇ છે. લોર્ડ્સના મેદાન પર આ સાથે તે ચોથીવાર 100ની અંદર ઓલઆઉટ થયું છે. લોર્ડ્સમાં તે છેલ્લે 19 જૂન 1997ના રોજ 100 રનની અંદર ઓલઆઉટ થઇ હતી.
ટિમ મુર્ટઘ ઍક ઇનિંગમાં 5 વિકેટ લેનારો આયરલેન્ડનો પહેલો બોલર
લોર્ડ્સના મેદાન પર બુધવારથી શરૂ થયેલી ઍકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમનો 85 રનમાં વિંટો વાળી દેવામાં આયરલેન્ડના બોલર મિટ મુર્ટઘની મુખ્ય ભૂમિકા રહી હતી. મુર્ટઘે 5 વિકેટ ઉપાડી હતી. લોર્ડ્સના મેદાન પર ઍક ઇનિંગમાં 5 વિકેટ લેનારો તે 86મો વિદેશી બોલર બન્યો હતો. લોર્ડ્સના મેદાન પર કુલ મળીને 184 બોલર ટેસ્ટની ઍક ઇનિંગમાં 5 કે તેનાથી વધુ વિકેટ લીધી છે. આ સાથે જ ઍક દાવમાં 5 વિકેટ લેનારો મુર્ટઘ આયરલેન્ડનો પહેલો બોલર બન્યો હતો.