મોહાલી : આઇપીઍલની 12મી સિઝનની 13મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ દાવ લઇને 9 વિકેટે 166 રનનો સ્કોર બનાવ્યા પછી, 167 રનના લક્ષ્યાંક સામે ઍક તબક્કે વિજય નજીક મક્કમતાથી આગળ વધતી દિલ્હી કેપિટલ્સનો સેમ કરેન અને મહંમદ શમીની ડેથ ઓવરની જોરદાર બોલિંગને કારણે નાટ્યાત્મક ધબડકો થતાં માત્ર 8 રનના ગાળામાં તેમણે બાકીની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તેઓ 152 રનમાં ઓલઆઉટ થયા હતા અને તેને પગલે કિંગ્સ ઇલેવન પંજાબનો ૧4 રને વિજય થયો હતો. સેમ કરેને 18મી ઓવરના છેલ્લા બોલે વિકેટ ઉપાડ્યા પછી 20 ઓવરના પહેલા બે બોલે બે વિકેટ ઉપાડીને આઇપીએલ 2019ની પહેલી હેટ્રિક ઉપાડી હતી.
144ના સ્કોર પર પંત આઉટ થયો અને 152ના સ્કોર પર દિલ્હીની ટીમ ઓલઆઉટ થઇ
દિલ્હી તરફથી શરૂઆત સારી નહોતી રહી અને પૃથ્વી શો શૂન્ય રને આઉટ થયો હતો. ધવન અને ઐય્યરે મળીને 61 રનની ભાગીદારી કરી હતી. ઍ બંને આઉટ થયા પછી ઋષભ પંત અને કોલિન ઇનગ્રામ વચ્ચે 62 રનની ભાગીદારી થઇ હતી. 144ના સ્કોર પર પંત આઉટ થયો અને પાસું પલટાઇ ગયું હતું અને દિલ્હી 152 રનમાં અોલઆઉટ થઇ ગયું હતુ. ડેથ ઓવરમાં સેમ કરેને હેટ્રિક સહિત 4 જ્યારે મહંમદ શમીઍ 2 વિકેટ ઉપાડી હતી.
સેમ કરેન અને મંહમદ શમીઍ ડેથ ઓવરમાં ઘાતક બોલિંગ કરીને દિલ્હીને વિંટો વાળ્યો
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલા પંજાબની શરૂઆત સારી રહી નહોતી અને પાવરપ્લેમાં જ કેઍલ રાહુલ અને સેમ કરનની વિકેટ ગુમાવી દીધી હતી. બોર્ડ પર 58 રન હતા ત્યારે મયંક અગ્રવાલ રનઆઉટ થયો હતો. તેમનો સ્કોર 10 ઓવરમાં 3 વિકેટે 86 રન હતો. તે પછી ડેવિડ મિલર અને સરફરાઝ ખાને મળીને 62 રનની ભાગીદારી કરીને સ્કોરને 120 પર પહોંચાડ્યો હતો. અહીં થોડા સમયના અંતરે બંને આઉટ થઇ જતાં નીચલા ક્રમ પર આવેલા દબાણને કારણે પંજાબની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. મનદીપ સિંહે રબાડાની અંતિમ ઓવરના છેલ્લા બે બોલમાં ઍક છગ્ગો અને ઍક ચોગ્ગો ફટકારીને 29 રન કરી નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી ક્રિસ મોરિસે 3 જ્યારે રબાડા અને સંદીપ લામિચાનેઍ 2-2 વિકેટ ઉપાડી હતી.