મોહાલી : આઇપીઍલની 22મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા 151 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે રાહુલની નોટઆઉટ 69 રન અને મયંક સાથેની તેની શતકીય ભાગીદારીના પ્રતાપે 19.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે કબજે કરી લઇ 6 વિકેટે જીત મેળવી હતી.
રાહુલની 69 રનની નોટઆઉટ ઇનિંગ સાથે અગ્રવાલે 55 રનની ઇનિંગ રમી
151 રનના લક્ષ્યાકની સામે પંજાબે 18 રનમાં ગેલની વિકેટ ગુમાવી તે પછી કેઍલ રાહુલ અને મયંક અગ્રવાલે બાજી સંભાળીને 114 રનની ભાગીદારી કરી હતી. તે પછી મયંક 43 બોલમાં 55 રન કરીને આઉટ થયો હતો. ઍ જ ઓવરમાં ડેવિડ મિલર પણ માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. મેચ અંત સમયે થોડી રસપ્રદ બની હતી અને અંતિમ ઓવરમાં 11 રન કરવાના આવ્યા હતા. સેમ કરેને પહેલા 3 બોલમાં 5 રન લીધા પછી રાહુલે 2 બોલમાં ઍક ચોગ્ગા સાથે 6 રન કરીને ટીમને 1 બોલ બાકી રાખીને 6 વિકેટે જીતાડી હતી.
આ પહેલા અશ્વિને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને બીજી ઓવરમાં જ મુજીબ ઉર રહેમાને જોની બેયરસ્ટોને આઉટ કર્યો હતો. તે પછી ડેવિડ વોર્નર અને વિજય શંકરે ધીમી બેટિંગ કરીને 49 રનની ભાગીદારી કરી હતી અને પ્રથમ 10 ઓવરમાં તેમનો સ્કોર 50 રન થયો હતો. વિજય શંકર 26 રન કરીને આઉટ થયો તે પછી મહંમદ નબી પણ 12 રન કરીને આઉટ થયો હતો. વોર્નરે 16મી ઓવરમાં 49 બોલમાં પોતાના 50 રન પુરા કર્યા હતા. તેણે મનીષ પાંડે સાથે 55 રનની ભાગીદારી કરી હતી. મહત્વની વાત ઍ હતી કે વોર્નરને કારણે હૈદરાબાદની ટીમે છેલ્લી 10 ઓવરમાં 100 રન કર્યા હતા. વોર્નર 62 બોલમા 70 રન કરીને જ્યારે હુડા 3 બોલમાં 14 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.