મોહાલી : પોતાની છેલ્લી મેચમાં પરાજીત થયા પછી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સોમવારે રમાનારી મેચમાં જ્યારે મેદાને પડશે ત્યારે બંને ટીમ આગલી મેચના પરાજયને ભુલીને ફરી એકવાર જીતના ટ્રેક પર પાછી ફરવા માગશે. બંને વચ્ચે અહીંના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાવાની છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંને ટીમ પોતાની આગલી મેચ હારી છે. બંને ટીમોના પરાજયમાં એક બાબત જે કોમન રહી તે હતી બંનેને લક્ષ્યાંકનો પીછો કરતાં પરાજય મળ્યો છે.
આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. પાંચ મેચમાંથી ત્રણમાં તેનો વિજય થયો છે જ્યારે બે મેચમાં તેનો પરાજય થયો છે. હૈદરાબાદે પણ પોતાની પાંચ મેચમાંથી ત્રણ મેચ જીતી છે જ્યારે બેમાં તેનો પરાજય થયો છે. સનરાઇઝર્સને છેલ્લી મેચમાં મુંબઇએ તો પંજાબને ચેન્નઇએ હરાવ્યા હતા. પંજાબ વતી લોકેશ રાહુલ અને સરફરાઝ ખાને સારું પ્રદર્શન કર્યું હોવા છતાં તેઓ 161 રનનો લક્ષ્યાંક કબજે કરી શક્યા નહોતા. જ્યારે હૈદરાબાદની ટીમ પોતાના ઘરઆંગણે 137 રનનો પીછો કરતાં માત્ર 96 રનમાં ઓલઆઉટ થઇ હતી.
અત્યાર સુધી જેટલી પણ મેચ આ બંને ટીમ રમી છે, તેમાં તેમની શરૂઆત તો સારી રહી છે, પણ મિડલ ઓર્ડરની નિષ્ફળતાએ તેમને થોડા બેકફૂટ પર મુક્યા છે. હૈદરાબાદને અત્યાર સુધી જે વિજય મળ્યા છે, તેમાં તેના ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોનું પ્રદર્શન મહત્વનું રહ્યું છે.