કોલકાતા : રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઇ ઇન્ડિન્સ સામેની અતિ મહત્વની મેચમાં પાણીમાં બેસીને હારી ગઇ હતી અને તેમના આ પરાજયને કારણે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી શક્યા નહોતા અને તેની સાથે જ તેમની આ સિઝનના પ્રવાસનો અહીં અંત આવી ગયો હતો. હવે કોલકાતાના આ પરાજયની પાછળના જે કારણો સામે આવી રહ્યા છે તે બેવારની આ ચેમ્પિયન ટીમ માટે સારો સંકેત નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ વચ્ચેના પરસ્પરના ઘર્ષણને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ હારીને બહાર થઇ છે.
ટીમના સહાયક કોચ અને માજી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સાઇમન કાટિચે પણ મેચ પછી એવું સ્વીકાર્યું હતું કે કેકેઆરની છાવણીમાં ખેલાડીઓ વચ્ચે પરસ્પર ટેન્શન હતું અને તેના કારણે ટીમનું વાતાવરણ સારું રહી શક્યું નહોતુ અને તેથી જ ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. સાઇમન કાટિચે કહ્યું હતું કે ટીમ સારી શરૂઆત પછી છ મેચ સતત હારી, તો ખેલાડીઓ વચ્ચે બધુ યોગ્ય રહ્યું નહોતું. કાટિચે અહીં ભારપૂર્વક એવું કહ્યું હતું કે ફ્રેન્ચાઇઝીએ સમયસર આ બાબતોનું નિરાકરણ લાવવાની જરૂર હતી પણ એવું તેમણે કર્યું નહોતું.
તેણે વધુમાં કહ્યું હતું કે ટીમનો માહોલ ટેન્શનયુક્ત હતો એ તથ્યને છુપાવી શકાય તેમ નથી. જેવી અમારી ટીમ હારવા માંડી કે તરત સ્થિતિ બગડી અને ખેલાડીઓમાં પરસ્પર તંગદીલી દેખાવા માંડી હતી.એક ટીમ તરીકે અમારે સમયસર તેના પર અંકુશ લાવવાની જરૂર હતી. તેણે કહ્યું હતું કે આઇપીએલ જેવી રમતમાં ટીમની એકતા મહત્વની હોય છે. કોલકાતા ટીમની એકતા જ લાંબા સમયથી તેમની તાકાત રહી છે. પણ આ વખતે ટીમમાં એકતાનો એ માહોલ વિખેરાઇ ગયો હતો એવું તેણે ઉમેર્યુ હતું.