ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ શનિવારે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ટ્વેન્ટી-20 મેચમાં બે રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ આ મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટસમેનોની યાદીમાં દિલશાનને પાછળ મૂકી બીજા સ્થાને પહોંચી ગયો હતો. જ્યારે પોતાની ટ્વેન્ટી-20 કરિયરમાં 7000 રન પણ પૂરા કર્યા હતા.
વિરાટ કોહલીએ રાજકોટ ટ્વેન્ટી-20માં મિચેલ સેન્ટનરની બોલિંગ પર એક રન લેતા પોતાનો સ્કોર 12 રને પહોંચાડ્યો હતો ત્યારે તે દિલશાનને પાછળ મૂકીને બીજા સ્થાને પહોંચી ગયો હતો. આ મેચ પહેલા કોહલીએ 53 આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચની 49 ઇનિંગ્સમાં 53.65ની એવરેજથી 1878 રન બનાવ્યા હતા. તેને બીજા સ્થાન પર પહોંચવા માટે 12 રનની જરૂર હતી.
સૌથી વધુ રન બનાવવાના મામલામાં ન્યૂઝીલેન્ડનો પૂર્વ બેટસમેન મૈક્કુલમ 2140 રનની સાથે પ્રથમ ક્રમ પર છે. તેણે 71 મેચમાં 35.66ની એવરેજથી આ રન બનાવ્યા છે. દિલશાને 80 મેચમાં 28.19ની એવરેજથી 1889 રન બનાવ્યા છે, અને તે બીજા સ્થાન પર છે. પરંતુ, વિરાટ કોહલીએ તેને ત્રીજા સ્થાને મૂક્યો છે.