કોલકાતા : સતત 5 મેચ હારીને આઇપીઍલની 12મી સિઝનમાંથી આઉટ થઇ જવાના આરે પહોંચેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ગુરૂવારે અહીં ઇડન ગાર્ડન્સ પર રાજસ્થાન રોયલ્સ સામેની મેચ કોઇપણ ભોગે જીતવા માગશે. ટુર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવા બંને ટીમ માટે આ મેચ મહત્વની છે. 2 વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે જોરદાર શરૂઆત તો કરી પણ તે પછી તેમની ગાડી પાટા પરથી ઉતરી ગઇ છે. હવે તેણે પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની તમામ મેચ જીતવી પડશે. ટીમ માટે કેપ્ટન દિનેશ કાર્તિકનું ફોર્મ ચિંતાનો વિષય છે.
કોલકાતા જે મેચ જીત્યું છે તેમાં આન્દ્રે રસેલના જોરે જીતી છે. કોલકાતાનો ઍકપણ બોલર સર્વાધિક વિકેટ લેનારાની ટોપ ટેનની યાદીમાં પણ નથી. બીજી તરફ રાજસ્થાન માટે પણ સ્થિતિ કરો યા મરો જેવી છે. તેણે પણ પોતાની આશા જાળવી રાખવા દરેક મેચ જીતવી જરૂરી છે. હવે જ્યારે તેમની સ્થિતિ આવી છે ત્યારે જ તેમના વિદેશી ખેલાડીઓ ટીમનો સાથ છોડીને વર્લ્ડકપની તૈયારી માટે રવાના થવાના છે.