નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમય દરમિયાન વિવાદને કારણે ચર્ચામાં રહેલા હાર્દિક પંડ્યાની આકરી મહેનત, કામ પ્રત્યેનું સમર્પણ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતાં તેના મોટાભાઇ કૃણાલ પંડ્યાઍ ગુરૂવારે અહીં કહ્યું હતું કે હાર્દિક માટે ક્રિકેટ હંમેશા પ્રાથમિકતા રહ્યું છે. ટીવી શોમાં મહિલાઅો વિરોધી ટીપ્પણીને કારણે સસ્પેન્ડ થયા પછી પીઠના દુખાવાના કારણે ક્રિકેટથી દૂર રહેલો હાર્દિક વર્લ્ડ કપ પહેલા રિધમમાં આવી ગયો છે અને કૃણાલે તેનું શ્રેય મેદાન બહાર રહેવા દરમિયાન સતત પોતાની રમત પર કામ કરતાં રહેવાને આપ્યું હતું.
કૃણાલે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પછી પત્રકારોને જણાવ્યું હતું કે ઇજા અને વિવાદને કારણે 7 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો ત્યારે હાર્દિકે પોતાની ફિટનેસ પર ખુબ કામ કર્યુ હતું. તેની સાથે હું બાળપણથી ક્રિકેટ રમતો આવ્યો છું અને તે ઍ પ્રકારનો ખેલાડી છે જેના માટે જીવનમાં ક્રિકેટ હંમેશા પ્રાથમિકતા રહ્યું છે. કામ પ્રત્યેનું આટલું સમર્પણ મે ઘણાં ઓછા ખેલાડીઓમાં જાયું છે.
