ઇંગ્લેન્ડના બદલાતા હવામાન વચ્ચે દક્ષિણ આફ્રિકા સામેની પોતાની વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતીય ટીમ પોતાના બોલિંગ કોમ્બિનેશન અંગે થોડી રઘવાટમાં છે. અહીંની વિકેટ સપાટ રહેવાની સંભાવના છે અને દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોની સ્લો બોલર સામે રમવાની નબળાઇને કારણે આ મેચમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલનો અંતિમ ઇલેવનમાં સમાવેશ લગભગ નક્કી મનાય છે.
જો કે સોમવારે પડેલા થોડા વરસાદ અને વાદળીયું વાતાવરણ રહેવાની સંભાવનાની સાથે બુધવારે ફરી હળવો વરસાદ પડશે તો તેના કારણે અંતિમ ઇલેવનમાં ભુવનેશ્વરનો સમાવેશ કરીને ત્રણ સ્પેશિયાલિસ્ટ ઝડપી બોલર સાથે ટીમ ઉતરી શકે છે. આ સંજાગોમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાંથી કુલદીપ અથવા યજુવેન્દ્રમાંથી કોઇ ઍકની બાદબાકી થઇ શકે છે. આ ઉપરાંત કેદાર જાદવ કે વિજય શંકરમાંથી પણ કોઇ ઍકની જ પસંદગી થઇ શકે છે. દક્ષિણ આફ્રિકા સામે કુલદીપે 17 જ્યારે ચહલે 16 વિકેટ ખેરવી છે. કેદાર જાદવની સ્લો બોલિંગ તેને વિજય શંકર પર સરસાઇ અપાવે છે.