મોહાલી : આઇપીઍલની 12મી સિઝનની 55મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે આજે અહીં કેઍલ રાહુલની ધમાકેદાર ઇનિંગ વડે ચેન્નઇ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે પ્લેઓફમાં તેના પ્રવેશના કોઇ ચાન્સીસ નથી અને તે પોઇન્ટ ટેબલમાં હાલ 7માં સ્થાને રહ્યું હતું. ચેન્નઇ સુપર કિ્ંગ્સે ફાફ ડુ પ્લેસિસની 96 રનની જોરદાર ઇનિંગ અને સુરેશ રૈનાની વિક્રમી અર્ધસદીની મદદથી 170 રન કર્યા હતા, જેની સામે પંજાબે રાહુલના 71 રનની મદદથી 18 ઓવરમાં જ 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો.
પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સે વોટ્સનની વિકેટ શરૂઆતમાં જ ગુમાવતા તેમની શરૂઆત સારી રહી નહોતી. જો કે તે પછી ડુ પ્લેસિસ અને રૈનાઍ મળીને 120 રનની ભાગીદારી કરી હતી. રૈનાઍ 34 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. જ્યારે ફાફ ડુ પ્લેસિસે 37 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. તે પછી તે 55 બોલમાં 96 રન કરીને આઉટ થયો હતો.
171 રનના લક્ષ્યાંક સામે કેઍલ રાહુલ અને ક્રિસ ગેલે 10.3 ઓવરમાં બોર્ડ પર 108 રન મુકીને જોરદાર શરૂઆત કરાવી હતી. ગેલ 28 રન કરીને આઉટ થયો તે પહેલા રાહુલે 19 બોલમાં અર્ધસદી ફટકારી હતી. તે 36 બોલમાં 71 રન કરીને આઉટ થયો હતો. તે પછી નિકોલસ પુરને 22 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો અને અંતે મનદીપ સિંહ અને સેમ કરેને નોટઆઉટ રહીને ટીમને 6 વિકેટે જીતાડી હતી. આ પરાજય છતાં ચેન્નઇ ટોપ ટુમાં રહ્યું છે.