મુંબઇ : બીસીસીઆઇ લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મુદ્દે માજી કેપ્ટન અને ત્રણે ફરિયાદીઓને લેખિતમાં દલીલ કરવા માટે જણાવ્યું છે. બંગાળના ત્રણ ક્રિકેટ ચાહકો ભાસ્વતી શાંતુઆ, અભિજિત મુખર્જી અને રંજીત સિલે આરોપ મુક્યો હતો કે ગાંગુલીની બંગાળ ક્રિકેટ એસોસિએશન (કેબ) અને આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકેની ભૂમિકા સીધી રીતે હિતોના ટકરાવનો કેસ છે.
લોકપાલે લગભગ સાડા ત્રણ કલાક સુધી સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિશ્વનાથ ચેટર્જી અને ફરિયાદી રંજીત સિલ ઉપરાંત ગાંગુલીની દલીલો પણ સાંભળી હતી. તેમણે બેઠક પછી કહ્યું હતું કે મેં બંને પક્ષો અને બીસીસીઆઇની દલીલો સાંભળી અને ટૂંકમાં જ મારો આદેશ જણાવીશ. જો કે ન્યાયના કુદરતી સિદ્ધાંતો અનુસાર સુનાવણી પુરી થઇ છે. બંને પક્ષ હવે અંતિમ નિર્ણય જાહેર થવા પહેલા લેખિત દલીલો કરી શકે છે. ગાંગુલીએ આ બેઠક પછી કહ્યું હતુ કે બેઠક સારી રહી છે.