વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી તેમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ખાસ વાત ઍ રહી હતી કે મેચની પહેલી બંને ઓવર મેડન રહી હતી અને છેક 17માં બોલે ન્યુઝીલેન્ડના બોર્ડ પર રન નોંધાયો હતો. 10 ઓવર પછી ન્યુઝીલેન્ડના સ્કોરબોર્ડ પર સ્કોર હતો 1 વિકેટે 27 રનનો, જે હાલના વર્લ્ડકપનો સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ હતો.
આ પહેલા બર્મિંઘમમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 1 વિકેટે 28 રન બનાવ્યા હતા, જે રેકોર્ડ મંગળવારે ન્યુઝીલેન્ડે પોતાના નામે કરી લીધો છે. હાલના વર્લ્ડકપમાં પાવરપ્લેમાં સૌથી નીચા જે 5 સ્કોર નોંધાયા છે તેમાંથી 3 ન્યુઝીલેન્ડના નામે છે. જ્યારે 1 ભારત અને 1 વેસ્ટઇન્ડિઝના નામે છે.
ભારત સામે સેમી ફાઇનલમાં 16 બોલ પછી ન્યુઝીલેન્ડ માંડ ખાતું ખોલાવી શક્યું
મંગળવારે માન્ચેસ્ટરના મેદાન પર કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી ન્યુઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને તેમની ઇનિંગના 16 બોલ ફેંકાયા હોવા છતાં તેમના સ્કોરબોર્ડ પર 1 પણ રન નોંધાયો નહોતો. 17મા બોલે માર્ટિન ગપ્તિલે સિંગલ લીધો અને બોર્ડ પર ઍક રન નોંધાયો અને 21માં બોલે ગપ્તિલ માત્ર 1 રને પેવેલિયન ભેગો થયો હતો.
વર્લ્ડકપ 2019માં પાવરપ્લેમાં સૌથી ઓછા રન
ટીમ હરીફ ટીમ મેદાન સ્કોર
ન્યુઝીલેન્ડ ભારત માન્ચેસ્ટર 27/1
ભારત ઇંગ્લેન્ડ બર્મિંઘમ 28/1
વેસ્ટઇન્ડિઝ ભારત માન્ચેસ્ટર 29/1
ન્યુઝીલેન્ડ વેસ્ટઇન્ડિઝ માન્ચેસ્ટર 30/2
ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા લોર્ડસ 31/1