મુંબઇ : ક્રિકેટના મેદાન પર 1980થી 90ના દશકામાં ક્યારેક મોટા શહેરોના ખેલાડીઓની બોલબાલા રહેતી હતી. જો કે હવે નાના શહેરો કે નગરમાંથી આવતા ક્રિકેટરોની સંખ્યા વધી રહી છે અને એ સ્થિતિમાં ભારતીય ટીમના માજી ઓપનર વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ક્રિકેટની રમતમાં હવે નામ કમાવવું કે ખ્યાતિ મેળવવી ઘણી મુશ્કેલ બની ગઇ છે.
સેહવાગે કહ્યું હતું કે મોટી સંખ્યામાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને તેને પ્રોફેશનલ કેરિયર તરીકે જ લઇ રહ્યા છે, એ સ્થિતિમાં આ રમતમાં હવે પોતાનું નામ બનાવવું સરળ રહ્યુ નથી. તેના માટે માત્ર તમે સારા હોવ એટલું જ પુરતું નથી, તમારી પાસે કૌશલ્ય હોવું જોઇએ અને એ કૌશલ્યને પ્રદર્શનમાં બદલવાનું કૌવત પણ હોવું જોઇએ.
આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું હતું કે જો કોઇ યુવાને 10-12 વર્ષ સુધી ક્રિકેટ રમવું હોય અને પૈસા કમાવા હોય તો મોટી ટુર્નામેન્ટમાં સતત પોતાના કૌશલ્યને પ્રદર્શનમાં બદલવું પડશે. ટેલિવિઝન ચેનલ ડિસ્કવરીએ ‘ઓલ અક્સેસ-ધ કન્ટેન્ડર્સ’ નામનો એક શો શરૂ કરી રહી છે, જેમાં ઉભરતા ક્રિકેટરોના કૌશલ્ય અને કૌવતને દર્શાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જે યુવા ખેલાડીઓની યાત્રા વર્ણવવામાં આવી છે, તેમાં શિવમ દુબે, કમલેશ નાગરકોટી, ઇશાન પોરેલ, હાર્વિક દેસાઇ તેમજ અનમોલપ્રીત સિંહ તેમજ પ્રભસિમરન સિહંનો સમાવેશ થાય છે.