એવું હંમેશાથી કહેવાતું રહ્યું છે કે ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે. તેમાં ક્યારે શું થઇ જાય તે કહી શકાતું નથી. ઘણીવાર કોઇ બેટ્સમેન એક ઓવરમાં 6 છગ્ગા ફટકારી દે છે. તો કોઇવાર આખી ટીમ માત્ર 6 રનમાં તંબુભેગી થઇ જાય છે. ગલી ક્રિકેટમાં ન બને તેવી એક ઘટના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બની છે કે જેમાં આખી ટીમ માત્ર 6 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ છે.
માલીની મહિલા ક્રિકેટ ટીમ કિંગાલી સીટીમાં ક્વિબુકા મહિલા ટુર્નામેન્ટમાં રંવાન્ડા સામે માત્ર 6 રનમાં તંબુભેગી થઇ હતી. આ સાથે જ સૌથી નીચા સ્કોરનો અણગમતો રેકોર્ડ માલીની મહિલા ટીમના નામે નોંઘાયો છે. આ સ્કોર મહિલાઓની ટી-20 મેચમાં સૌથી નીચો સ્કોર રહ્યો છે. તે પછી રવાન્ડાની ટીમે માત્ર 4 બોલમાં લક્ષ્યાંક કબજે કરી લીધો હતો.
માલીની મહિલા ટીમની ઇનિંગ માત્ર 9 ઓવર સુધી ચાલી હતી. ઓપનર મારિમા સમાકેએ બેટ વડે 1 રન કર્યો હતો અને તે સિવાયના પાંચ રન વધારાના હતા. આ પહેલા મહિલા ટી-20નો સૌથી નીચા જુમલાનો 14 રનનો રેકોર્ડ ચીનના નામે હતો જે તેણે યુએઇ વિરુદ્ધ બનાવ્યો હતો.