લોર્ડસના મેદાન પર રમાયેલી બીજી એશિઝ ટેસ્ટમાં રવિવારે ઓસ્ટ્રેલિયાએ પોતાના પર આવી પડેલા પરાજયના સંકટને ટાળીને મેચ ડ્રો કરી હતી. ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે બેટિંગ કરવા ઉતરેલા માર્નસ લેબુશેને 59 રનની જોરદાર ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડના સકંજામાંથી છટકાવીને આ ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજય માટે 48 ઓવરમાં 267 રન કરવાના મળેલા પડકારની સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 154 રન બનાવ્યા હતા.
267 રનનો લક્ષ્યાંક મળ્યા પછી પોતાનો બીજો દાવ લેવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 47 રનના સ્કોર પર પોતાની ટોપ ઓર્ડરની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી ઇજાગ્રસ્ત સ્ટીવ સ્મિથના સ્થાને કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે બેટિંગ કરવા ઉતરેલા લેબુશેને 59 રનની ઇનિંગ રમવાની સાથે જ 42 રન કરનારા ટ્રેવિસ હેડ સાથે ચોથી વિકેટની 85 રનની ભાગીદારી કરીને ટીમની બાજી બગડતી સંભાળી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ તે પછી માત્ર 17 રનના ઉમેરામાં વધુ 3 વિકેટ ગુમાવી હતી. જો કે તેઓ હારને ટાળવામાં સફળ રહ્યા હતા અને મેચ ડ્રો કરાવી હતી. ઇંગ્લેન્ડ વતી બીજી ઇનિંગમાં જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી હતી, જેના કારણે તેની ડેબ્યુ મેચમાં તેણે કુલ મળીને 5 વિકેટ ઉપાડી હતી. જ્યારે જેક લિચે 3 વિકેટ ખેરવી હતી.