આઇસીસી વર્લ્ડકપ 2019ની પહેલી સેમી ફાઇનલમાં ટોસ જીતીને દાવ લેવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી અને 17 બોલ પછી તેમના બોર્ડ પર 1 રન નોંધાયો અને તે પછીની ઓવરમાં માર્ટિન ગપ્તિલ આઉટ થઇને પેવેલિયન ભેગો થયો હતો. 14બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગા થયેલો ગપ્તિલ હાલના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ માટે ઝીરો જ સાબિત થયો છે.
ઍ ઉલ્લેખનીય છે કે 2015ના વર્લ્ડકપનો ન્યુઝીલેન્ડ માટે હીરો જેવી ભૂમિકા ભજવનારો માર્ટિન ગપ્તિલ હાલમાં ઘણાં ખરાબ ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધી રમેલી 9 મેચમાં 20.87ની સરેરાશે માત્ર 167 રન કર્યા છે. ગપ્તિલે વર્લ્ડકપની પહેલી મેચમાં શ્રીલંકા સામે 73 રનની જોરદાર ઇનિંગ રમી હતી, જો કે તે પછી તેનું ફોર્મ કથળ્યું હતું અને બે વાર તો તે ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો છે.
ઍ ઉલ્લેખનીય છે કે 2015ના વર્લ્ડકપમાં ગપ્તિલ સર્વાધિક રન કરનારો ખેલાડી રહ્યો હતો. તેણે 9 મેચમાં 68.37ની ઍવરેજ અને 105.58ની સ્ટ્રાઇક રેટથી 547રન બનાવ્યા હતા. ઍ દરમિયાન તેણે 2 સદી અને 1 અર્ધસદી ફટકારી હતી જેમાં 237 રનનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો હતો.