ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમના માજી કેપ્ટન બ્રેન્ડન મેક્કલમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત મેક્કલમે ટિ્વટર પર એક લાંબી પોસ્ટ મુકીને કરી હતી અને કહ્યું હતું કે અહીં રમાતી ગ્લોબલ ટી-20 કેનેડા લીગના સમાપન પછી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ જશે. એ ઉલ્લેખનીય છે કે મેક્કલમે 2016માં જ ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી અને તે માત્ર વિશ્વભરમાં રમાતી ટી-20 લીગમાં રમતો રહ્યો હતો.
મેક્કલમની કેપ્ટનશિપ હેઠળ ન્યુઝીલેન્ડની ટીમ 2015ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી અને ત્યાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા હતા. મેક્કલમે પોતાના ટિ્વટમાં અંતે લખ્યું છે કે હું ગર્વ અને સંતોષની સાથે એ જાહેરાત કરું છું કે હું જીટી-20 લીગ પછી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ જઇશ. મેક્કલમે અત્યાર સુધી 370 ટી-20 રમી છે જેમાં 7 સદીની સાથે તેણે 9922 રન કર્યા છે અને તે વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેલ પછી રમતના આ શોર્ટ ફોર્મેટમાં બીજો સોથી સફળ બેટ્સમેન રહ્યો છે. હાલમાં જી ટી-20માં જો તે 88 રન કરી લેશે તો તે ગેલ પછી 10,000 રન કરનારો બીજો બેટ્સમેન બનશે.
બ્રેન્ડન મેક્કલમની ઇન્ટરનેશનલ કેરિયર આકંડાની નજરે
ફોર્મેટ મેચ ઇનિંગ રન સર્વોચ્ચ એવરેજ સદી અર્ધસદી કેચ સ્ટમ્પીંગ
ટેસ્ટ 101 176 6453 302 38.64 12 31 198 11
વન-ડે 260 228 6083 166 30.41 05 32 262 15
ટી-20 71 70 2140 123 35.66 02 13 36 08
મેક્કલમની લિસ્ટ-એ, ફર્સ્ટક્લાસ અને ટી-20 કેરિયરના આંકડા
ફોર્મેટ મેચ ઇનિંગ રન સર્વોચ્ચ એવરેજ સદી અર્ધસદી કેચ સ્ટમ્પીંગ
ફર્સ્ટક્લાસ 150 261 9210 302 37.13 17 46 308 19
લિસ્ટ એ 309 271 7373 170 30.84 9 37 305 17
ટી-20 370 364 9922 158* 29.97 7 55 153 14