ઇંગ્લેન્ડમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમના કંગાળ પ્રદર્શનને કારણે દોષનો ટોપલો મુખ્ય કોચ મિકી આર્થર અને સપોર્ટ સ્ટાફ પર ઢોળી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ કોચ આર્થર અને તેના સપોર્ટ સ્ટાફનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય કરીને તેમને રજા આપી દેવાનું નક્કી કર્યું છે.
પીસીબીએ બુધવારે જાહેર કર્યું હતું કે તેમણે આર્થર ઉપરાંત બોલિંગ કોચ અઝહર મહમૂદ, બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ટ્રેનર ગ્રાન્ટ લુડેનના કરારને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બીજી ઓગસ્ટે લાહોરમાં પીસીબી ક્રિકેટ કમિટી દ્વારા આયોજીત સમિક્ષા બેઠકમાં કરાયેલી ભલામણો પછી લેવાયો હતો. પીસીબી દ્વારા ટૂંક સમયમાં જ આ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
પીસીબીના ચેરમેન અહેસાન મણીએ કહ્યું હતું કે પીસીબી વતી હું નેશનલ પુરૂષ ટીમ સાથે પોતાના કાર્યકાળ દરમિયાન આકરી મહેનત કરનારા મિકી આર્થર ગ્રાન્ટ ફ્લાવર, ગ્રાન્ટ લુડેન અને અઝહર મહમૂદનો આભાર માનું છુ. અમે એવી કામના કરીએ છીએ કે તેમને ભવિષ્યમાં સફળતા મળે.