પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન મિસબાહ ઉલ હક તેમની નેશનલ ટીમનો મુખ્ય કોચ બને તેવી સંભાવના છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ હાલમાં જ મિકી આર્થર સહિતના કોચિંગ સ્ટાફનો કરાર આગળ વધારવાનું માંડી વાળ્યું હતું. પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝે પોતાના અહેવાલમાં મિસબાહ ઉલ હકને મુખ્ય કોચ તરીકે આગળ કર્યો છે ત્યારે અન્ય એક અખબાર ધ નેશનના અહેવાલમાં ન્યુઝીલેન્ડની ટીમના માજી કોચ માઇક હેસનને પણ આ પદની રેસમાં આગળ કરવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ખાતે પુરા થયેલા વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ ગ્રુપ સ્ટેજથી જ બહાર થઇ હતી, તે પછી જ એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો હતો કે મુખ્ય કોચ મિકી આર્થર સહિત સમગ્ર કોચિંગ સ્ટાફનો કરાર આગળ ધપાવવામાં નહીં આવે અને અંતે એ જ થઇને રહ્યું. પીસીબીએ મુખ્ય કોચ આર્થરની સાથે જ કોચિંગ સ્ટાફના અન્ય કોઇનો પણ કરાર આગળ ધપાવવામાં રસ નથી બતાવ્યો.
કોચિંગ સ્ટાફમાં બોલિંગ કોચ અઝહર મહેમૂદ, બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ટ્રેનર ગ્રાન્ટ લુડેન સામેલ છે. મિસ્બાહે 75 ટેસ્ટ અને 162 વન-ડેમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ કરી છે. તેણે 2010માં થયેલા સ્પોટ ફિક્સીંગ પછી ટીમને આગળ વધારીને ઘણી સફળતા અપાવી હતી. આ તરફ હેસને ટિ્વટર પર આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી તેની સાથે જ તેમનું નામ પાકિસ્તાની કોચ પદની રેસમાં સામેલ કરાયું હતું.