નવી દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુરુવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં થયેલા નો બોલ વિવાદ છતાં અમ્પાયર સુંદરમ રવિ સામે પગલા લેવામાં આવે તેવી સંભાવના નહીવત્ છે. તેની પાછળનું મહત્વનું કારણ એ છે કે આ ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અમ્પાયરોની સંખ્યા ઘણી ઓછી છે.આ મેચની છેલ્લી બોલમાં નોબોલ ન આપવા બાબતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સના રોહિત શર્માએ પણ તેને સમર્થન આપ્યું હતું.
આઈપીએલના 56 મેચો માટે ફિલ્ડ અને ટેલિવિઝન માટે ફક્ત 11 ભારતીય અમ્પાયરો છે, જેનો અર્થ એમ થાય છે કે મેચ રેફરી પાસેથી નકારાત્મક પોઇન્ટ મેળવ્યા પછી પણ બીસીસીઆઈ તેમની સામે કોઈ નક્કર પગલાં લઈ શકશે નહીં. અમ્પાયરિંગ સાથે જોડાયેલા અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, “હાલમાં અમારી પાસે ફક્ત 17 અમ્પાયરો છે જેમને ફિલ્ડ અને થર્ડ અમ્પાયર્સના કામ સાથે જોડાયા છે. તેમાંના 11 ભારતીય અને એલિટ પેનલમાં છ વિદેશી અમ્પાયર છે. તેમની ઉપરાંત, ચોથા અમ્પાયર તરીકે અમારી પાસે છ વધુ ભારતીય અમ્પાયર છે.
આઇસીસીના એલિટ પેનલમાં એકમાત્ર ભારતીય અમ્પાયર એવા રવિ મુંબઇ ઇન્ડિયન્સના લસિથ મલિંગાના મોટા નોબોલને જોઈ શક્યા નહીં. આ સાથે જ વિવાદાસ્પદ સંજોગોમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટિમ 6 રનથી હારી ગઈ હતી. મેચ પછી, કોહલીએ આઇપીએલના અમ્પાયરને ‘આંખો ખુલ્લી રાખવાની’ સલાહ આપી હતી. રોહિત શર્માએ મેચના બીજા અમ્પાયર, સી. નંદનની ટીકા કરી. ખાસ બાબત એ છે કે, નંદનને બે વર્ષ પહેલાં બીસીસીઆઈ પુરસ્કારમાં શ્રેષ્ઠ ભારતીય અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને બીસીસીઆઈમાં અટકળો લગાવવામાં આવી રહી હતી કે, રવિ અને નંદનનું આઈપીએલની પ્લે – ઓફ મેચમાં સમાવવામાં આવશે નહીં. કારણ કે, મારિયસ ઇરેસ્મસ અને ક્રિસ ગાફનેય જેવા આંતરરાષ્ટ્રીય અમ્પાયર અસ્તિત્વમાં છે.