નવી દિલ્હી : સનરાઇઝર્સ હૈદરાબાદને ગુરૂવારે જોરદાર પ્રદર્શન કરીને આઇપીએલની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પાંચ વિકેટે જીતી લઇને હાલની સીઝનમાં વિજયની હેટ્રેક પુરી કરીને પોતાની ત્રીજી જીત મેળવી હતી. આ વિજયની સાથે જ સનરાઇઝર્સ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ વતી જો કે અફઘાનિસ્તાનના બોલર મહંમદ નબીએ આ મેચ સાથે એક એનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. નબીએ હૈદરાબાદ વતી જ્યારે પણ મેચ રમી છે ત્યારે હૈદરાબાદની ટીમ જીતી છે.
અફઘાની સ્પિનર નબી અત્યાર સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ વતી કુલ મળીને 7 મેચ રમ્યો છે અને આ તમામ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વિજેતા બની છે. આ સાથે જ નબીએ કોઇ ટીમ માટે 100 ટકા જીતનો પલાની અમરનાથનો રેકોર્ડ તોડ્યો છે. પલાની અમરનાથે 2008માં ચેન્નઇ સુપર કિંગ્સ વતી જે છ મેચ રમી હતી તે તમામમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો હતો.
નબીએં ગુરૂવારની એ મેચમાં 4 ઓવરમાં 21 રન આપીને બે વિકેટ ઉપાડી હતી અને દિલ્હીની ટીમને 129 સુધી સિમીત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.