ઇંગ્લેન્ડની ટીમના માજી સ્પિનર મોન્ટી પાનેસરે ઇંગ્લેન્ડની ટીમ પણ બોલ ટેમ્પરિંગ કરતી હોવાનો ધડાકો કર્યો છે. મોન્ટીએ પોતાના પુસ્તક ‘ધ ફુલ મોન્ટી’માં પોતાના ક્રિકેટના અનુભવોને બેધડક અંદાજમાં લખ્યા છે. પોતાના પુસ્તકમાં તેણે બોલ ટેમ્પરિંગની વાત પણ કબુલી અને એ પણ જણાવ્યું છે કે ટીમના સાથી ખેલાડીઓ અને તે ખુદ તેમના મુખ્ય સ્ટ્રાઇક બોલર જેમ્સ એન્ડરસનની મદ માટે બોલ ટેમ્પર કરતાં હતા.
ઇંગ્લેન્ડ માટે 2006થી 2013 સુધી 50 ટેસ્ટ રમનારા આ સ્ટાર ડાબોડી સ્પિનરે જણાવ્યું હતું કે કેવી કેવી પદ્ધતિ અને તરકીબોથી તેની ટીમ બોલ ટેમ્પરિંગ કરતી હતી. મોન્ટીના આ પુસ્તકના કેટલાક અંશ ઇંગ્લેન્ડની ન્યૂઝ વેબસાઇટ ‘ડેઇલી મેલ”માં પ્રકાશિત કરવામાં આવ્યા છે. મોન્ટીના આ ખુલાસાએ ક્રિકેટ વિશ્વને હચમચાવી દીધું છે. મોન્ટીએ ખુલાસો કર્યો હતો કે અમે એવું જોયું કે લાળ અને મિન્ટ તેમજ સનક્રીમનો ઉપયોગ જો બોલને ચમકાવવામાં કરવામાં આવે તો બોલ રિવર્સ સ્વિંગ કરાવવામાં મદદ મળે છે.
આ ઉપરાંત તેણે એ પણ જણાવ્યું હતું કે હું જાણીકરીને બોલને ચાલાકીપૂર્વક મારી ટ્રાઉઝરની ઝીપ સાથે ઘસતો હતો, કે જેથી બોલની સ્થિતિ બગડે અને તેને રિવર્સ સ્વિંગ કરાવવામાં મદદ મળે. તેણે કહ્યું હતું કે અમે નિયમ તોડ્યો કે નહી તે એ વાત પર નિર્ભર કરે છે કે અમે કેવી રીતે અમારી વાત રજૂ કરીએ છીએ. મોન્ટીએ કહ્યું હતું કે આ કદાચ સ્પિરીટ ઓફ ગેમની સાથે હેરલાઇન ફ્રેક્ચર જેટલી જ છેતરપીંડી હતી. કારણકે નિયમ એવું કહે છે કે તમે બોલને તમારા ડ્રેસ સાથે ઘસી શકો છો.