માજી ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીઍ મંગળવારે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલ રમવા માટે મેદાનમાં પગ મુક્યો તેની સાથે જ તેના નામે વધુ ઍક સિદ્ધિ જાડાઇ ગઇ હતી. આજની આ સેમી ફાઇનલ ધોનીની વન ડે કેરિયરની 350મી વન ડે ઇન્ટરનેશનલ બની હતી. 350 વનડે રમનારો તે બીજો ભારતીય અને ઓવરઓલ વિશ્વનો 10મો ક્રિકેટર બન્યો હતો.
ધોની પહેલા ભારત વતી 350 મેચ રમવાની સિદ્ધિ સચિન તેંદુલકર મેળવી ચુક્યો છે. સચિને કુલ 463 વન ડે ઇન્ટરનેશનલ રમી છે અને તેમાં નામે 18426 રન છે. તેના પછી ધોની આજે 350ના આંકડે પહોંચ્યો છે અને ધોની પછી રાહુલ દ્રવિડનું નામ આવે છે જેણે 344 વન ડે ઇન્ટરનેશનલ રમી છે, તેના નામે 10889 રન છે.
વિશ્વ ક્રિકેટમાં સચિન અને ધોની ઉપરાંત મહેલા જયવર્ધને 448 વન ડે, સનથ જયસુર્યા 445 વન ડે, કુમાર સંગાકારા 404 વન ડે, શાહિદ આફ્રિદી 398 વન ડે, ઇન્ઝમામ ઉલ હક 378 વન ડે, રિકી પોન્ટીંગ 375 વન ડે, વસીમ અકરમ 356 વન ડે અને મુથૈયા મુરલીધરને 350 વન ડે રમી ચુક્યા છે.