ચેન્નઇ : આકરી પરિસ્થિતિમાં પણ મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન કુલ કેવી રીતે બની રહે છે એ બધા જ જાણવા માગે છે પણ પોતાનો આ સક્સેસ મંત્ર ધોની હાલમાં કોઇને પણ જણાવવાના મુડમાં નથી. એક ઇન્ટરવ્યુમાં તેણે રમૂજી લહેજામાં જણાવ્યું હતું કે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલમાં આટલી સફળ કઇ રીતે થઇ તેનો સ્કસેસ મંત્ર હું મારી નિવૃત્તિ પછી જ જણાવીશ. એ ઉલ્લેખનીય છે કે ચેન્નઇ સુપર કિંગ્સ અત્યાર સુધી આઇપીએલમાં ત્રણ સિઝન જીતી ચુકી છે તો બે સિઝન તે પ્રતિબંધને કારણે રમી શકી નહોતી. આ ટીમ 9 વાર પ્લેઓફ અને 7 વાર ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ પણ ધરાવે છે.
ધોનીએ આ બાબતે વાત કરતાં કહ્યું હતું કે જો મે બધાને એ જણાવી દઉં તો પછી ટીમ વાળા મને ખરીદશે નહીં. જો કે તે પછી તેણે પોતાની સફળતા ફેન્સ અને ફ્રેન્ચાઇઝી માલિકના સપોર્ટને આભારી હોવાનું કહીને ધોનીએ વધુમાં ઉમેર્યું હતું કે તેનાથી વધુ હું નિવૃત્ત થવા પહેલા જણાવી શકું તેમ નથી. લાંબા સમયથી પીઠના દુખાવાથી પીડાતા ધોનીએ કહ્યું હતું કે વર્લ્ડ કપને ધ્યાને રાખીને મારે થોડી અગમચેતી રાખવી પડશે.