ચેન્નઇ : મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નઇ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી તમામ મેચ જીતી છે, જોકે તે છતાં ધોની પોતાના હોમ ગ્રાઉન્ડની પીચથી ખુશ નથી. મંગળવારે સીએસકેએ કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવીને અહીં અજેય રહેવાની પરંપરા જાળવી રાખી હતી, જો કે તે છતાં ધોનીને અહીંની પીચ અંગે નારાજી વ્યક્ત કરી હતી.
ધોનીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે આ પીચ પર અમારે વધુ રમવું જોઇએ. આ પીચ પર મોટો સ્કોર બનાવવો સંભવ નથી. બ્રાવો ઇજાગ્રસ્ત થયો તે પછી અમારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પીચ બાબતે નિરાશા છતાં અમે વિજય મેળવ્યો છે. ધોનીએ સાથે અનુભવી સ્પિનર હરભજન સિંહ અને ઇમરાન તાહિરની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે ભજ્જી જે મેચમાં રમ્યો તેમાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. મેં તાહિરને અજમાવ્યો તો તેણે પણ સારી ભૂમિકા ભજવી છે. તે મારા પર વિશ્વાસ કરે છે. તે ઘણી સારી ફ્લિપર કરે છે. તે એક એવો બોલર છે, કે જો તમે તેને કહો કે તારે આ સ્પીડે બોલ ફેંકવાનો છે તો તે દરેક બોલ એ સ્પીડે ફેંકી શકે છે.