ભારતીય ટીમનો માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયા માટે સફેદ બોલ ક્રિકેટ મતલબ કે વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલ રમતો રહેશે કે પછી પોતાની નિવૃત્તિ જાહેર કરી દેશે એ મામલે અટકળોનું બજાર ગરમ બની ગયું છે. સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેના પરાજય પછી ભારતનો વર્લ્ડકપ પ્રવાસ પુરો થવાની સાથે જ આ સવાલ ભારતીય સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકોના મનમાં ઊગી રહ્યો છે., જો કે તેનો જવાબ શું છે તે કોઇને નથી ખબર, કારણ એ સવાલનો જવાબ તો ધોની જ આપી શકે તેમ છે. હવે જ્યારે ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમનું અભિયાન પુર્ણ થયું છે અને ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં છે ત્યારે ક્રિકેટ વહીવટદારો ધોની પાસે આ સવાલનો જવાબ આપવાની રાહ જોઇ રહ્યા છે.
વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ભારતીય ટીમના પરાજય પછી ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા બાદ વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જશે, પસંદગી સમિતિની બેઠકમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે, અને તેઓ એવું જાણે છે કે ધોની વેસ્ટઇન્ડિઝ પ્રવાસે નહીં જાય. ધોનીના ભાવિ અંગે હાલમાં કોઇ નિર્ણય લેવાયો નથી અને દિનેશ કાર્તિક તેમજ ઋષભ પંત અંગે પણ કોઇ નિર્ણય કરાયો નથી. બીજીતરફ કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણાં મુખ્ય ખેલાડીઓને વિન્ડિઝ સામેની વનડે અને ટી-20 સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. જો એમ થશે તો વિરાટ સહિતના ખેલાડીઓ ઓગસ્ટમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ એન્ટીગુઆ અને જમૈકા ટેસ્ટથી ટીમ સાથે જોડાશે. રોહિત શર્મા વન ડે અને ટી-20 ટીમનું સુકાન સંભાળશે.
ધોની મામલે કોઇને કંઇ ચોક્કસ માહિતી નથી. ધોની અચાનક નિવૃત્તિ જાહેર કરશે કે મીડિયા સમક્ષ તેની જાહેરાત કરશે કે પછી આવતા વર્ષે તે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ સાથે રમશે એ અંગે માત્ર ને માત્ર તર્ક વિતર્ક જ ચાલી રહ્યા છે.