નવી દિલ્હી : આવતા મહિનાથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી આગામી 15 એપ્રિલે મુંબઇમાં થવાની છે. વહીવટદારોની સમિતિ (સીઓએ) અને પદાધિકારીઓએ સોમવારે એક બેઠક કરીને આ નિર્ણય કર્યો હતો. ત્યારે હવે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એવું સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પસંદગી સમિતિના સભ્ય ટીમ પસંદ કરતી વખતે આઇપીએલના પ્રદર્શનને એટલું મહત્વ નહીં આપે.
પસંદગી સમિતિના અધ્યક્ષ પ્રસાદે કહ્યું હતું કે મને નથી લાગતું કે અમે આઇપીએલને ધ્યાને લઇ રહ્યા છીએ. તેમને જ્યારે એવું પુછાયું કે શું આઇપીએલમાં કરાયેલું મજબૂત પ્રદર્શન શું કોઇ નિર્ધારિત સ્લોટ ભરવામાં મદદ કરી શકશે, ત્યારે તેમણે જવાબ વાળ્યો હતો કે ના, ચોક્કસ જ નહીં. અમે ઘણાં સ્પષ્ટ છીએ એવું તેમણે ટુંકા પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું. આ પહેલા ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ એવું કહી ચુકયો છે કે જ્યારે વર્લ્ડ કપ માટેની ટીમની પસંદગી કરવામાં આવશે ત્યારે આઇપીએલનું પ્રદર્શન તેમાં કોઇ મહત્વ ધરાવતું નહીં હોય. મુખ્ય પસંદગીકાર પ્રસાદે આવો જવાબ આપીને એકરીતે જોઇએ તો કેપ્ટન કોહલીની વાતનું સમર્થન જ કર્યું છે.