મુંબઇ : આઇપીઍલની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિ વિલિયર્સની તોફાની ઇનિંગ અને મોઇન અલીની અર્ધસદીની મદદથી મુકેલા 172 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાના 16 બોલમાં 37 રનની મદદથી 19 ઓવરમાં જ કબજે કરી લેતા તેમનો પાંચ વિકેટે વિજય થયો હતો.
172 રનના લક્ષ્યાંક સામે મુંબઇને ક્વિન્ટોન ડિ કોક અને રોહિત શર્માઍ 70 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી. 8મી ઓવરમાં આ બંને આઉટ થયા હતા. તે પછી ઇશાન કિશને 9 બોલમાં 21 રન અને સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 29 રન કરીને સ્કોરને 100 પાર પહોંચાડ્યો હતો. અંત સમયે મુંબઇને 27 બોલમાં 43 રનની જરૂર હતી ત્યારે હાર્દિક પંડ્યાઍ આવીને ફટકાબાજી કરીને પાસું પલટી નાંખ્યું હતું, તેણે 19મી ઓવર ફેંકવા આવેલા પવન નેગીને ફટકારીને 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે કુલ 22 રન લઇને મેચ પુરી કરી નાંખી હતી.
રોહિત શર્માઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી તે પછી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન કોહલી માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. પાર્થિવ પટેલે 20 બોલમાં 28 રન કર્યા પણ તે પાવરપ્લે પછી આઉટ થયો ત્યારે સ્કોર 49 રને હતો. અહીંથી ડિ વિલિયર્સે મોઇન અલી સાથે બાજી સંભાળીને ત્રીજી વિકેટની ભાગીદારીમાં ઝડપી 95 રન ઉમેર્યા હતા. ડિ વિલિયર્સે 41 તો મોઇન અલીઍ 31 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. જો કે મોઇન અલી અર્ધસદી પુરી કરીને તરત આઉટ થયો હતો. તે પછી સ્ટોઇનીસ પણ આઉટ થઇ ગયો હતો. ડિ વિલિયર્સે 51 બોલમાં 75 રનની ઇનિંગ રમીને ટીમને 170 રન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અલઝારી જોસેફના સ્થાને ટીમમાં આવેલા લસિથ મલિંગાઍ 4 વિકેટ ઉપાડી હતી.
