મુંબઇ : આઇપીઍલની ૧૫મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પહેલા કૃણાલ પંડયા અને સૂર્યકુમાર યાદવની ભાગીદારી અને તે પછી હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડે છેલ્લી બે ઓવરમાં કરેલી ફટાફટીથી મુકેલા 171 રનનો લક્ષ્યાંક સામે હાર્દિક અને મલિંગાની જોરદાર બોલિંગથી ચેન્નઇ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન જ બનાવી શકતાં મુંબઇનો 37 રને વિજય થયો હતો.
171 રનના લક્ષ્યાંકની સામે ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 6 રન હતા ત્યારે તેના બંને ઓપનર અંબાતી રાયડુ અને શેન વોટ્સન પેવેલિયન ભેગા થયા હતા. તે પછી સુરેશ રૈના આઉટ થતાં ચેન્નઇઍ 33 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. જાદવ અને ધોની 54 રનની ભાગીદારી કરીને સ્કોર 87 સુધી લઇ આવ્યા હતા ત્યારે હાર્દિકે ધોનીને આઉટ કરીને બે બોલ પછી રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો અને સ્કોર 5 વિકેટે 89 રન થયો હતો. સ્કોર 108 પર પહોંચ્યો ત્યારે મલિંગાઍ જાદવને અંગત 58 રને આઉટ કર્યો અને તે પછી બ્રાવોને પણ આઉટ કર્યો હતો. 20 ઓવરના અંતે ચેન્નઇ 8 વિકેટે 133 રન જ કરી શક્યું હતું. મુંબઇ વતી હાર્દિક અને મલિંગાઍ 3-3 જ્યારે બેહનરડોર્ફે 2 વિકેટ ઉપાડી હતી.
૩ ઓવરમાં 20રન આપનાર બ્રાવોની છેલ્લી ઓવરમાં પોલાર્ડ-હાર્દિકે 29 રન ઝુડ્યા
આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી, જેની સામે મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી નહોતી અને ત્રીજી ઓવરમાં બોર્ડ પર માત્ર 8 રન હતા ત્યારે તેમણે ક્વિન્ટોન ડિ કોકની વિકેટ ગુમાવી હતી. પાવરપ્લેમાં મુંબઇ 1 વિકેટે માત્ર 40 રન કરી શક્યુ હતું. રોહિત શર્મા અને યુવરાજ આઉટ થયા પછી યાદવ અને કૃણાલે બાજી સંભાળીને 62 રનની ભાગીદારી કરી હતી. આ બંને આઉટ થયા તે પછી હાર્દિકે 8 બોલમાં 3 છગ્ગા અને ઍક ચોગ્ગા સાથે 25 રન અને પોલાર્ડે 7 બોલમાં બે છગ્ગાની મદદથી 17 રન કરી ટીમને 170૦ રન સુધી પહોંચાડ્યું હતું. આ બંનેઍ અંતિમ બે ઓવરમાં 45 રન અને તેમાં પણ 3 ઓવરમાં માત્ર 20 રન આપનારા બ્રાવોની અંતિમ ઓવરમાં 29 રન ઝુડયા હતા.