ચેન્નઇ : ઍમ ઍ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહેલી આઇપીઍલ-12ની પહેલી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપરકિંગ્સને 6 વિકેટે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મુંબઇઍ પાંચમી વખત આઇપીઍલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા મુંબઇ ચાર વખત ફાઇનલમાં પહોંચીને ત્રણ વખત ચેમ્પિયન બન્યું છે અને ઍક વખત રનર્સ અપ બન્યું હતું.
સૂર્યકુમાર યાદવે 54 બોલમાં ૭૧ રનની શાનદાર ઇનિંગ રમીને મુંબઇને જીતાડ઼વામાં મહત્વની ભૂમિકા ભજવી
ચેન્નઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત માટે 132 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. મુંબઇની શરૂઆત સારી રહી ન હતી અને રોહિત શર્મા પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો. ડિકોક પણ પોતાની લય જાળવી શક્યો ન હતો અને હરભજનનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ઍસકે યાદવ અને ઇશાન કિશને ટીમનો સ્કોર 100 રનનાં પાર પહોંચાડ્યો હતો. ઇશાન 28 રન બનાવીને આઉટ થયો પરંતુ સૂર્યકુમાર યાદવે 54 બોલમાં 71 કરીને ટીમને જીત અપાવી હતી.
ટોસ જીતીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઇની શરૂઆત ધીમી અને ખરાબ રહી હતી. ફાફ ડુપ્લેસિસ ત્રીજી જ ઓવરમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. તેને રાહુલ ચહરે આઉટ કર્યો હતો. રૈના પણ વધારે સમય ક્રિઝ પર રહે તે પહેલા ચોથી ઓવરમાં કૃણાલ પંડ્યાનો શિકાર થયો હતો. ઓપનર શેન વોટસને પોતાની લય ગુમાવી દીધી હતી. શેન વોટસન છઠ્ઠી ઓવરમાં કૃણાલ પંડ્યાનો શિકાર થયો ત્યારે તે 13 બોલમાં માંડ 10 રન બનાવી શક્યો હતો. 13મી ઓવરમાં મુરલી વિજય 26 રન પર આઉટ થયો ત્યારે ચેન્નઇનો સ્કોર 65/4 હતો. અહીંથી ધોનીઍ અંબાતી રાયડુ સાથે ઇનિંગ આગળ ધપાવી હતી. જો કે ધીમી પીચ પર બંને બેટ્સમેનો મોટા શોટ લગાવી શકતા ન હોવાને લીધે ઝડપી રન બનાવી શક્યા ન હતા. અંબાતી રાયડુ 37 બોલમાં 42 અને ધોની 29 બોલમાં માત્ર 37 રન નોંધાવી શક્યો હતો. ધોનીઍ પોતાની 37 રનની ઇનિંગમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં લસિથ મલિંગા અને જસપ્રિત બુમરાહની શાનદાર બોલિંગના લીધે ચેન્નઇ સુપરકિંગ્સ મોટો સ્કોર નોંધાવી શકી નહોતી.