મુંબઇ : લસિથ મલિંગાની આગેવાનીમાં મુંબઇના બોલરોઍ કરેલા જોરદાર પ્રદર્શનને કારણે સારી શરૂઆત છતાં કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 133 રન જ શક્યા પછી મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચેની 88 રનની ભાગીદારીના પ્રતાપે 1 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને 9 વિકેટે વિજય મેળવતા કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાંથી આઉટ થઇ ગયું હતું, જ્યારે સારી રનરેટના કારણે ચોથી ટીમ તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં સામેલ થયું હતું.
રોહિત શર્માઍ 55 અને સૂર્યકુમાર યાદવે 46 રનની ઇનિંગ રમીને મુંબઇને કોલકાતા સામે 9 વિકેટે જીતાડ્યુ
મુંબઇ ઇન્ડિયન્સે 6 ઓવરમાં 46 રન કરીને 134 રનના લક્ષ્યાંક સામે સારી શરૂઆત કરી હતી, ક્વિન્ટોન ડિ કોક આઉટ થયો તે પછી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટની નોટઆઉટ ૮૮ રનની ભાગીદારી કરીને મેચ 9 વિકેટે જીતી લીધી હતી. રોહિત 55 જ્યારે યાદવ 46 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ક્રિસ લીને 29 બોલમાં 41 રનની ઇનિંગ રમીને કોલકાતા નાઇટ રાઇડર્સને ઝડપી શરૂઆત અપાવી હતી. તે પછી હાર્દિકે 2 વિકેટ ઉપાડતા મેચમાં મુંબઇની વાપસી થઇ હતી. 49 રન પર પહેલી વિકેટ ગુમાવનાર કોલકાતાઍ તે પછી 73 રનના સ્કોરમાં કુલ 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેકેઆરના કમનસીબે આન્દ્રે રસેલ પહેલા બોલે જ આઉટ થયો હતો. તે પછી રોબિન ઉથપ્પા અને નીતિશ રાણાઍ પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી, રાણા 13 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. ઉથપ્પાઍ 47 બોલમાં 40 રનની ધીમી ઇનિંગ રમીને ટીમના સ્કોરને 133 સુધી પહોંચાડ્યો હતો. મુંબઇ વતી મલિંગાઍ 3 જ્યારે હાર્દિક અને બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.