મુંબઇ : રણજી ટ્રોફીમાં ગઇકાલે જ્યારે મુંબઇ અને બરોડા વચ્ચે મેચ શરૂ થઇ ત્યારે એક અનોખો રેકોર્ડ નોંધાયો હતો. જેમાં મુંબઇની રણજી ટીમ પોતાની 500મી મેચ રમવાની સિદ્ધી મેળવી હતી. આવી સિદ્ધી મેળવનારી મુંબઇની રણજી ટીમ પહેલી ટીમ બની છે.
મુંબઇ રણજી ટીમની 500 મેચના સફરમાં ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થઇ ગયો છે. મુંબઇની રણજી ટીમ તરફથી ક્રિકેટના ભગવાન સચીન તેંદુલકર, સુનિલ ગાવસ્કર, દિલીપ વેંગસકર, કરશન ઘાવરી સહીતના સ્ટાર ક્રિકેટરો મુંબઇ ટીમ તરફથી રમી ચુક્યા છે. મુંબઇ ટીમે પોતાની પહેલી રણજી ટ્રોફી મેચ વર્ષ 1930માં રમી હતી. તો વર્ષ 1934-35 માં પોતાનું પહેલું રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું હતું.
મુંબઇની ટીમે 499 રણજી મેચમાંથી 242 મેચમાં જીત મેળવી છે. તો મહત્વની વાત એ છે કે હજુ સુધી માત્ર 26 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાકીની મેચ ડ્રોમાં પરીણમી હતી. મુંબઇ ટીમ તરફથી વસીમ જાફરે સૌથી વધારે મેચ અને સૌથી વધુ રન કર્યા છે. વસીમ જાફરે મુંબઇની રણજી ટીમ તરફથી 120 મેચ અને તેમાં 9759 રન કર્યા છે. તો પદમાકર શિવાલ્કરે મુંબઇની રણજી ટીમ તરફથી સૌથી વધુ 361 વિકેટ ઝડપી છે. આવી સિદ્ધી મેળવનાર તે હજુ સુધી એક માત્ર બોલર છે.