બુધવારે અહીં રમાયેલી રોમાંચક સેમી ફાઇનલમાં ભારતના બહું વખણાતાં ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરવાની સાથે જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના જોરદાર વળતા પ્રહારને ખાળીને અંતે ન્યુઝીલેન્ડે 18 રને મેચ જીતીને ભારતને સ્પર્ધામાંથી બહાર મુકીને બીજીવાર વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
રવિન્દ્ર જાડેજાઍ 59 બોલમાં 77 રનની ઇનિંગ રમવા ઉપરાંત ધોની સાથે 116 રનની ભાગીદારી કરી
ટુર્નામેન્ટમાં માત્ર પોતાના ટોપ ઓર્ડરના જોરે અહીં સુધી પહોંચેલી ભારતની ટીમના ટોપ ઓર્ડરના ત્રણ મુખ્ય બેટ્સમેન દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તે રીતે સેમી ફાઇનલમાં જ માત્ર 5 રન બોર્ડ પર હતા ત્યારે પેવેલિયન ભેગા થયા હતા અને તેના કારણે જાડેજાની લડાયક 77 રનની ઇનિંગ તેમજ ધોની સાથેની તેની 118 રનની ભાગીદારી છતાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડે મુકેલા 240 રનના લક્ષ્યાંકની સામે 221 રને ઓલઆઉટ થઇ જતાં ન્યુઝીલેન્ડ 18 રને મેચ જીતી ગયું હતું. ન્યુઝીલેન્ડે પોતાના ઝડપી બોલર મેટ હેનરી અને ટ્રેન્ટ બોલ્ટના શરૂઆતના આક્રમક સ્પેલના કારણે ભારતીય ટીમને પછાડીને આ સાથે સતત બીજા વર્લ્ડકપમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેન ઓફ ધ મેચ હેનરીઍ 37 રનમાં 3 જ્યારે બોલ્ટે 42 રનમાં 2 વિકેટ ઉપાડી હતી. જાડેજાઍ પોતાની ઇનિંગમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીને 59 બોલમાં 77 રનની ઇનિંગ રમીને મેચ ભારત તરફે ફેરવી હતી અને ઍક તબક્કે ઍવું લાગતું હતું કે હવે ભારત આ મેચ જીતી જ જશે, જો કે તે આઉટ થયો તેની સાથે મેચ પલટાઇ ગઇ હતી, અધુરામાં પુરુ ધોની માર્ટિન ગપ્તિલના ઍક સીધા થ્રોના કારણે રનઆઉટ થયો અને બાકીનું કામ ફર્ગ્યુસન અને નીશમે પુરું કરી દીધું હતું.
ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા મેટ હેનરીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
5 રનમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેઍલ રાહુલની વિકેટ ગુમાવ્યા પછી ઋષભ પંત અને દિનેશ કાર્તિક સેટલ થવાનો પ્રયાસ કરતાં હતા ત્યારે કાર્તિક 25 બોલમાં 6 રન કરીને આઉટ થયો. તે પછી પંત અને હાર્દિક પંડ્યાઍ 47 રનની ભાગીદારી કરી પણ હાર્દિકના સમજાવવા છતાં 32 રને પંત આક્રમક શોટ રમવામાં મીડ વિકેટ પર કેચ આઉટ થયો હતો. તે પછી પંડ્યા પણ આઉટ થયો ત્યારે ઍવું લાગતું હતું કે ભારત 125ની આસપાસ તંબુભેગું થઇ જશે પણ અહીંથી જાડેજાઍ બાજી સંભાળીને વાતાવરણ બદલ્યું હતું.
આ પહેલા ન્યુઝીલેન્ડે ગઇકાલના પોતાના 5 વિકેટે 211 રનના સ્કોરમાં બાકીની 3.5 ઓવરમાં 28 રન ઉમેરીને સ્કોરને 8 વિકેટે 239 પર પહોંચાડ્યો હતો.