ઍજબેસ્ટન ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપની ૨૫મી મેચ ભીના આઉટફિલ્ડને કારણે મોડી શરૂ થવાથી 49 ઓવરની કરાયા પછી દક્ષિણ આફ્રિકાઍ હાશિમ અમલા અને વાન ડેર ડુસેનની અર્ધસદીની મદદથી મુકેલા 242 રનના લક્ષ્યાંકને ન્યુઝીલેન્ડ કેપ્ટન વિલિયમ્સનની સદીની મદદથી 6 વિકેટના ભોગે કબજે કરી લઇને 4 વિકેટે વિજય મેળવ્યો હતો.

242 રનના લક્ષ્યાંકની સામે ત્રીજી ઓવરમાં જ મુનરો આઉટ થતાં ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી, જો કે તેપછી ગપ્તિલ અને વિલિયમ્સને 60 રનની ભાગીદારી કરી હતી ગપ્તિલ 35 રન કરીને હિટ વિકેટ આઉટ થયો પછી ટેલર અને લાથમની વિકેટ પણ ઝડપથી પડી જતાં ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 80 રન થયો હતો. વિલિયમ્સને તે પછી નીશમ સાથે 57 રનની ભાગીદારી કરી તે પછી નીશમ 23 રન કરીને આઉટ થતાં રમતમાં જાડાયેલા ગ્રાન્ડહોમે કેપ્ટનને સારો સાથ આપીને 91 રનની ભાગીદારી કરી સ્કોર 228 રન સુધી લઇ ગયો હતો ત્યારે તે 47 બોલમાં 60 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં ન્યુઝીલેન્ડે 8 રન કરવાના આવ્યા હતા, ફેલુકવાયોની ઍ ઓવરમાં સેન્ટનરે પહેલા બોલે 1 રન લીધો હતો, તે પછી બીજા બોલે વિલિયમ્સને છગ્ગો ફટકારીને પોતાની સદી પુરી કરી હતી અને ત્રીજા બોલે ચોગ્ગો ફટકારીને મેચ 4 વિકેટે જીતી લીધી હતી.
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો તે પછી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 59 રનના સ્કોર સુધીમાં ડિ કોક અને ફાફ ડુ પ્લેસિસ વિકેટ ગુમાવી હતી. હાશિમ અમલાઍ 83 બોલમાં 55 રનની ધીમી પણ ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 38 રન કરનારા ઍડન માર્કરમ સાથે મળીને ટીમને સંભાળી હતી. બંનેઍ 52 રનની ભાગીદારી કરી હતી, અને આ દરમિયાન અમલાઍ વનડેમાં પોતાના 8000 રન પુરા કર્યા હતા. જો કે 28મી ઓવરમાં સ્કોર 111 હતો ત્યારે અમલા અને 136ના સ્કોર પર માર્કરમ આઉટ થયા હતા. તે પછી રસી વેન ડર ડુસેને 36 રન કરનારા ડેવિડ મિલરની સાથે 72 રનની ભાગીદારી કરીને ટીમને 200 રન પાર પહોંચાડી હતી. વેન ડર ડુસેને 64 બોલમાં 67 રનની ઇનિંગ રમીને નોટઆઉટ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ વતી લોકી ફર્ગ્યુસને 3 જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડિ ગ્રાન્ડહોમ અને મિચેલ સેન્ટનરે 1-1 વિકેટ લીધી હતી.