ન્યુઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) દ્વારા પોતાના સ્પિન દિગ્ગજ માજી કેપ્ટન ડેનિયલ વિટોરીની સિદ્ધિઓના માનમાં તેની જર્સી નંબર 11ને રિટાયર કરવાનો નિર્ણય લીધો હતો. માત્ર વિટોરી જ નહીં પણ એ તમામ કિવી ક્રિકેટરોની ટી-શર્ટને રિટાયર કરવાનો નિર્ણય લેવાયો છે, જેમણે ન્યુઝીલેન્ડ વતી 200 કે તેનાથી વધુ વનડે રમી હોય.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા સોમવારે ટિ્વટ કરવામાં આવ્યું હતું કે ન્યુઝીલેન્ડનું 200થી વધુ વનડેમાં પ્રતિનિધિત્વ કરનારા તમામ ક્રિકેટરોની જર્સીને નિવૃત્ત કરી દેવામાં આવી છે. ડેનિયલ વિટોરીએ સૌથી વધુ 291 વનડેમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેની જર્સીનો નંબર 11 હતો.
વિટોરીએ 291 વનડેમાં કુલ 305 વિકેટ લીધી હતી અને સાથે જ તેણે 4 અર્ધસદીની સાથે 2253 રન પણ બનાવ્યા હતા. ડાબોડી સ્પિનરે 113 ટેસ્ટમાં 262 વિકેટ લેવા ઉપરાંત 6 સદી અને 23 અર્ધસદીની મદદથી 4531 રન પણ બનાવ્યા છે. વિટોરી 2007થી 2011 દરમિયાન ન્યુઝીલેન્ડનો કેપ્ટન રહી ચુક્યો છે.