અહીં રમાયેલી વોર્મ અપ મેચમાં શાઇ હોપની સદી સહિત વેસ્ટઇન્ડિઝે તોફાની બેટિંગ કરીને ન્યુઝીલેન્ડ સામે 421 રનનો ડુંગર ખડકી દીધો હતો. મેચની ખાસ વાત ઍ રહી હતી કે વેસ્ટઇન્ડિઝની ટીમ 49.2 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી, 421 રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડની ટીમ બ્લંડેલની સદી અને વિલિયમ્સનની 85 રનની ઇનિંગ છતાં 330 રને ઓલઆઉટ થતાં 91 રને મેચ હારી ગઇ હતી.
ન્યુઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને તેમણે 33 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. તે પછી વિલિયમ્સન અને બ્લન્ડેલે મળીને 120 રનની ભાગીદારી કરી હતી. વિલિયમ્સન 85 રન કરીને આટ થયો તે પછી પણ બ્લન્ડલે પોતાની લડત ચાલુ રાખીને સદી ફટકારી હતી. જો કે લક્ષ્યાંક જ ઍટલો મોટો હતો કે તેને અન્ય ખેલાડીઓનો સાથ મળવો જરૂરી હતો, પણ ઍમ થયું નહીં અને તેના કારણે 47.2 ઓવરમાં તેઓ 330 રને ઓલઆઉટ થતાં તેમનો 91 રને પરાજય થયો હતો.
વિન્ડીઝને ગેલ અને લુઇસે સારી શરૂઆત અપાવી હતી. ગેલ 36 રન કરીને આઉટ થયો તે પછી શાઇ હોપ બેટિંગમાં આવ્યો હતો. લુઇસ તે પછી 50 રન કરીને આઉટ થયો હતો. તે પછી ડેરેન બ્રાવો 25 અને શિરમોન હેટમાયર 27 રન કરીને આઉટ થયા હતા. હોપ 86 બોલમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 101 રન કરીને આઉટ થયો, ત્યારે વેસ્ટઇન્ડિઝનો સ્કોર 35.4 ઓવરમાં 5 વિકેટે 267 રન હતો. તે પછી 13.4 ઓવરમાં વેસ્ટઇન્ડિઝે 154 રન ઝુડી કાઢ્યા હતા. જેમાં આન્દ્રે રસેલે 25 બોલમાં 54, જ્યારે જેસન હોલ્ડરે 32 બોલમાં 47, તેમજ કાર્લોસ બ્રેથવેટે 24, ઍશ્લે નર્સે 21 રનનો ફાળો આપ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે 4 જ્યારે મેચ હેનરીઍ 2 વિકેટ લીધી હતી.