વેસ્ટઇન્ડિઝના આગામી પ્રવાસ માટે જ્યારે પણ પસંદગીકારો બેઠક કરશે ત્યારે ઍ બેઠકમાં સ્પ્લિટ કેપ્ટન્સી ( વન ડે અને ટેસ્ટમાં અલગઅલગ કેપ્ટન)ના મુદ્દે ચર્ચા થઇ શકે છે. જો કે હાલમાં વિરાટ કોહલી જ આ પ્રવાસમાં અને તે પછીના સમયમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન પદે જળવાઇ રહેશે. પહેલા ઍવી ચર્ચા હતી કે વિરાટના સ્થાને રોહિત શર્માને વન ડે અને ટી-20નું સુકાન સોંપી દેવાશે. જા કે હાલમાં ઍવી કોઇ યોજના ન હોવાનું જાણવા મળ્યું છે.
ક્રિકેટના તમામ ફોર્મેટમાં વિરાટ કોહલી શ્રેષ્ઠતમ બેટ્સમેન ગણાય છે. તે આવાતા મહિનાથી શરૂ થનારા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ દરમિયાન વનડે ઇન્ટરનેશનલ અને ટી-20 ઇન્ટરનેશનલ તેમજ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ સંભાળશે. રવિવારે થનારી પસંદગી સમિતિની બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતીય ટીમ પાસે 2016માં ટેસ્ટ અને વનડે માટે અલગઅલગ કેપ્ટન રહ્યા હતા. તે સમયે ધોની વનડે ટીમનું અને કોહલી ટેસ્ટ ટીમનું સુકાન સંભાળતા હતા. આ પહેલા નવેમ્બર 2007થી ઓક્ટોબર 2008 સુધી અનિલ કુંબલે ટેસ્ટ અને ધોની વનડે તેમજ ટી-20નો કેપ્ટન હતો. જા કે ભારતમાં સ્પ્લિટ કેપ્ટન્સી ઍટલી સફળ રહી નથી.