નાગપુર : ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી સતત રમી રહી છે અને અવારનવાર આ મામલે તેની ટીકા થતી રહે છે. પરંતુ ગુરુવારે ટીમના સુકાની વિરાટ કોહલીએ ખુદે આ અંગે બળાપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા જેવી મહત્વની સિરીઝ અગાઉ અત્યંત વ્યસ્ત કાર્યક્રમને કારણે ટીમને તૈયારી કરવાની પૂરતી તક સાંપડી નથી.
વિરાટે વ્યક્ત કરી નારાજગી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સતત ક્રિકેટ સીરીઝ આયોજિત કરવા અંગે અને ખરાબ પ્લાનિંગને લઈને ગુરુવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. વિરાટે કહ્યું કે, કોઈપણ સીરીઝની તૈયારી માટે સમયની જરૂર હોય છે. તેમણે કહ્યું કે, સીરીઝની તૈયારી માટે એક મહિનાનો સમય હોવો જોઈએ, પરંતુ અમારે નિશ્વિત કાર્યક્રમ મુજબ જ તૈયારી કરવી પડે છે.
વિરાટની ચિંતા
વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. તે પછી ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે. કોહલીએ કહ્યું કે, વધુ પડતા ક્રિકેટથી ખેલાડીઓના પરફોર્મન્સ પર અસર પડી રહ્યું છે. તેણે સાથે જ કહ્યું કે, કોઈપણ ક્રિકેટ સીરીઝની તૈયારી માટે સમયની જરૂર પડે છે.
અમારી પાસે કોઈ વિકલ્પ નથી
ભારતીય કેપ્ટને કહ્યું કે, ‘આ સીરીઝ બાદ અમારે સાઉથ આફ્રિકા સામે ક્રિકેટ સીરીઝ રમવાની છે. અમને સાઉથ આફ્રિકા જતા પહેલા માત્ર 2 દિવસનો સમય મળ્યો છે. અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને આ સ્થિતિમાં પોતાને ફિટ કરવાનો છે. શું અમને એક મહિનાની રજા મળી હતી, પરંતુ અમે સારી તૈયારી કરી. જે અમારી પાસે છે, અમારે એ જ રીતે અમારી જાતને તૈયાર કરવાની છે.’
અમને પણ સમય મળવો જોઈએ
નાગપુરમાં તેણે કહ્યું કે, ‘અમારું શિડ્યુલ ઘણું વ્યસ્ત છે અને અમને પણ સમય મળવો જોઈએ, જેનો અમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકે, જે રીતે બીજી ટીમો કરે છે. જ્યારે અમે વિદેશ જઈએ છીએ તો બીજી ટીમો ઘણો સમય લે છે, પરંતુ તમે જુઓ કે અમને કોઈ સીરીઝની તૈયારી માટે કેટલો સમય મળે છે’ ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ ડ્રો રહી હતી અને બીજી ટેસ્ટ શુક્રવારે નાગપુરમાં રમાશે.