વર્લ્ડકપની ઍક જ ઍડિશનમાં સર્વાધિક રન કરવાનો ભારતીય મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનો રેકોર્ડ હાલના વર્લ્ડકપમાં તૂટતાં તૂટતાં રહી ગયો હતો. સચિને 2003ના વર્લ્ડકપમાં 11 ઇનિંગમાં 61.18ની ઍવરેજથી 673 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 6 અર્ધસદી અને 1 સદીની મદદથી આ રન બનાવ્યા હતા. એ વર્લ્ડકપમાં સચિનનો વ્યક્તિગત સ્કોર 152 રનનો હતો.
સચિનનો રેકોર્ડ તોડવા માટે ફાઇનલમાં કેન વિલિયમ્સનને 126 રનની જરૂર હતી પણ તે 30 રને આઉટ થતાં ઍ રેકોર્ડ અકબંધ રહ્યો હતો. આ ઉપરાંત જો રૂટને આ રેકોર્ડ તોડવા માટે 125 રનની જરૂર હતી, જો કે તે પણ માત્ર 7 રન બનાવીને આઉટ થતાં સચિનનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો.
એ ઉલ્લેખીનય છે કે હાલના વર્લ્ડકપમાં રોહિત શર્મા પાસે આ રેકોર્ડ તોડવા માટે સારી તક આવી હતી અને સેમી ફાઇનલ વખતે તે માત્ર 27 રન દૂર હતો, જો કે સેમી ફાઇનલમાં તે માત્ર 1 રન કરીને આઉટ થતાં સચિનનો રેકોર્ડ યથાવત રહ્યો હતો. ડેવિડ વોર્નર પાસે પણ સારી તક હતી, જો કે તે પણ સેમી ફાઇનલમાં વહેલો આઉટ થતાં આ રેકોર્ડ તૂટી શક્યો નહોતો.