મેડ્રિડ : સોમવારે જાહેર થયેલા ટેનિસ પ્રોફેશનલ એસોસિએશન (એટીપી)ના નવા રેન્કિંગમાં સર્બિયાના નોવાક જોકોવિચે પોતાનો પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. આ સાથે જ તે ટોચના સ્થાને 250 અઠવાડિયા સુધી જળવાઇ રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. એટીપીની વેબસાઇટ અનુસાર જોકોવિચ પોતાની કેરિયરની શરૂઆતથી અત્યાર સુધી કુલ 250 અઠવાડિયા સુધી નંબર-1 પર રહ્યો છે.
1973થી અત્યાર સુધી જોકોવિચ સહિત 5 ખેલાડીઓ 250 અઠવાડિયા સુધી નંબર વન રહ્યા છે. જેમાં જીમી કોનર્સ 268 અઠવાડિયા, ઇવાન લેન્ડલ 270 અઠવાડિયા, પીટ સામ્પ્રાસ 286 અઠવાડિયા અને સ્વિત્ઝરલેન્ડનો રોજર ફેડરર 310 અઠવાડિયા નંબર વન પર રહ્યા છે. સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં ટોપ 10માં ચાર ફેરફાર જોવા મળ્યા છે. ફેડરર ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે આવી ગયો છે. જર્મનીનો યુવા એલ્કેઝાન્ડર ઝવેરેવત્રીજા સ્થાનેથી નીચે ઉતરીને ચોથા સ્થાને પહોંચી ગયો છે.
સિતસિપાસ સ્ટેફાનોસ 9માં ક્રમે પહોંચી ગયો છે જયારે જોન ઇસ્નર 10માં ક્રમે પહોંચી ગયો છે. સ્પેનનો રાફેલ નડાલ બીજા ક્રમે યથાવત છે. પાચમા ક્રમે ડોમિનિક થીમ, છઠ્ઠા પર કેવિન એન્ડરસન, સાતમા ક્રમે કેઇ નિશિકોરી, અને જુઆન માર્ટિન ડેલ પોટ્રો 8મા ક્રમે છે.
