નવી દિલ્હી : બીસીસીઆઇ લોકપાલ ડી કે જૈને દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકર અને વીવીઍસ લક્ષ્મણને બુધવારે આઇપીએલ ફ્રેન્ચાઇઝીના મેન્ટર હોવાની સાથે ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ના સભ્ય હોવાને કારણે કથિત હિતોના ટકરાવ માટે નોટિસ આપી છે. મહત્વની વાત એ છે કે સચિનનો બુધવારે જન્મ દિવસ હતો અને એ દિવસે જ તેને આ નોટિસ મળી હતી, ખાસ વાત એ છે કે તે બીસીસીઆઇની સીએસી અને મુંબઇ ઇન્ડિયન્સ બંને સ્થ્ળે માનદ સેવા આપી રહ્યો છે અને તેમાંથી તે કોઇ નાણાકીય લાભ લેતો નથી. જો કે બીસીસીઆઇના સૂત્રોઍ આપેલી માહિતી અનુસાર સચિનનો મુંબઇ ઇન્ડિયન્સ સાથે કોઇ નાણાકીય કરાર નથી અને ગાંગુલી, તેમજ સચિન અને લક્ષ્મણ બીસીસીઆઇ સીઍસીના સભ્ય તરીકે સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે.
ઍક વરિષ્ઠ અધિકારીઍ કહ્યું હતું કે ગાંગુલીને નોટિસ અપાઇ ઍટલે સચિન અને લક્ષ્મણને અપાઇ છે. પણ હું ઍ કહી શકું છું કે સચિન મુંબઇ ઇન્ડિયન્સ પાસે ઍક પણ પૈસો લેતો નથી. તે માત્ર સ્વૈચ્છિક સેવા કરે છે. બીસીસીઆઇમાં પણ સીઍસીમાં સેવા આપવા માટે તેણે ઍક રૂપિયો લીધો નથી. જસ્ટિસ જૈને સચિન અને લક્ષ્મણ બંનેને 28 ઍપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. લોકપાલે ઍવું પણ કહ્યું છે કે જવાબ આપવામાં નિષ્ફળ જાય તો તેમને ફરી કોઇ તક આપવામાં આવશે નહીં. ઍ ઉલ્લેખનીય છે કે સચિનનો બુધવારે જન્મદિવસ હતો અને તે દિવસે જ તેને આ નોટિસ મળી હતી.